માળીયા (મી.) : માળીયા મીયાણા તાલુકામાં ભારે વરસાદના કારણે મચ્છુ-3 અને ઘોડાધ્રોઈ ડેમ છલકાઈ જતાં ખેડૂતોના પાક નષ્ટ થઈ ગયા છે. આ પરિસ્થિતિ અંગે માળીયા મહિલા શક્તિ સંગઠન દ્વારા સંબંધિત તંત્રને લેખિત રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆતમાં જણાવાયું છે કે માળીયા તાલુકાના બધા જ ગામોમાં ખરીફ પાક નષ્ટ થઈ ગયો છે. તેથી, ખેડૂતોને સો ટકા નુકસાનનું વળતર મળે તે જરૂરી છે. નાના ખેડૂતોને રવિ પાક માટે બિયારણ અને ખાતરનો ટેકો સરકાર તરફથી મળે તે જરૂરી છે. તથા ખેતરની જમીન સમતળ થાય તે માટે મનરેગા અંતર્ગત આ કામને આવરી લઇ તેનું આયોજન કરવામાં આવે તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આપત્તિ વ્યવસ્થાપનનું આયોજન થાય તે જરૂરી છે. વધુમાં, મચ્છુ-3 અને ઘોડાધ્રોઈ ડેમનું પાણી શિયાળા અને ઉનાળાની ઋતુ દરમ્યાન એટલે કે ચોમાસાની ઋતુ પહેલા સમાંતર પાણી છોડાય. જેથી, ઉપરવાસમાં વરસાદનું પાણી સંગ્રહી શકાય અને છેલ્લી ઘડીએ પાણી છોડાય નહીં તેની તકેદારી રાખવી જોઈએ. નર્મદાની કેનાલની ચોમાસા પહેલા રીપેરીંગ અને સફાઈ થાય તે પ્રકારનું આયોજન કરવું જોઈએ. તેમજ માળીયા તાલુકામાં નુકશાની માટે જે સર્વે હાથ ધરાવાનો છે. તેમાં ઘણા ખેડૂતો રહી જાય છે. તો તેવું ન થાય અને પાક નષ્ટ થયો છે તેનું પૂરેપૂરું વળતર મળે તે પ્રકારની વ્યવસ્થા માટે સ્થાનિક તંત્ર દ્વારા સરકાર સુધી રજૂઆત થાય તે જરૂરી છે. આમ, રજુઆતમાં આવ્યા સૂચનો સાથે માંગણી કરવામાં આવેલ છે.