સિલિકોસિસના દર્દીઓ કલાકો સુધી રઝળ્યા, ડોક્ટરો ફરજના સમયે ખાનગી ક્લિનિક ચલાવતા હોવાનો ગંભીર આક્ષેપ, 15 દિવસમાં પગલાં નહીં લેવાય તો માનવ અધિકાર આયોગમાં ફરિયાદની ચીમકીCDMO દુધરેજીયાએ આરોપોને પાયા વિહોણા ગણાવ્યા, ડોક્ટરો સમયસર જ આવતા હોવાનો દાવોમોરબી : મોરબી સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરોની ગેરહાજરી અને દર્દીઓની હાલાકીનો સિલસિલો યથાવત છે. ગરીબ અને બીમાર દર્દીઓને સારવાર માટે કલાકો સુધી રાહ જોવી પડતી હોવાની વ્યાપક ફરિયાદો વચ્ચે હવે આ મામલે સામાજિક કાર્યકર દ્વારા મોરબી કલેક્ટરને પુરાવા સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.સામાજિક કાર્યકર ચિરાગ એમ. ચાવડાએ કલેક્ટરને કરેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, ગત તારીખ 15/07/2026 ના રોજ 4 સિલિકોસિસના દર્દીઓ સારવાર અને તબીબી પ્રમાણપત્ર મેળવવા માટે સવારે 10:00 વાગ્યે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા. ઓપીડી નંબર 20 ના કેસ પેપરમાં જે ડોક્ટરનું નામ હતું તે ગેરહાજર હતા. ત્યાં હાજર ઇન્ટર્ન ડોક્ટરે દર્દીઓને ઓપીડી નંબર 9 માં મોકલ્યા, પરંતુ ત્યાં પણ સવારના 11:00 વાગ્યા સુધી કોઈ ડોક્ટર ફરજ પર આવ્યા ન હતા. પરિણામે બીમાર લોકો કલાકો સુધી ડોક્ટરની રાહ જોતા બેસી રહ્યા હતા.વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, સરકાર તરફથી મોટો પગાર મેળવતા આ ડોક્ટરો પોતાની ફરજના સમયે ખાનગી ક્લિનિક ચલાવે છે અને ચીફ સુપરિન્ટેન્ડેન્ટ પણ આ બાબતથી વાકેફ હોવા છતાં કોઈ કાર્યવાહી થતી નથી. નોંધનીય છે કે ગત તારીખ 30/05/2026 ના રોજ મોરબી મેયર દ્વારા અને તારીખ 04/06/2026 ના રોજ કલેક્ટર દ્વારા પણ સિવિલ હોસ્પિટલનું સરપ્રાઈઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું, તેમ છતાં વ્યવસ્થામાં કોઈ સુધારો આવ્યો નથી.હોસ્પિટલ પ્રશાસનમાં સુધારો લાવવા માટે ફરિયાદમાં નીચે મુજબની માંગ કરવામાં આવી છે.1. છેલ્લા 1 મહિનાના દરેક ઓપીડીના સીસીટીવી ફૂટેજની સઘન તપાસ કરવામાં આવે, જેથી ડોક્ટરોની ગેરહાજરીનું સત્ય સામે આવે.2. દરેક ઓપીડીની બહાર, ફરજ પરના ડોક્ટરનું પૂરું નામ અને સમય સ્પષ્ટ વાંચી શકાય તે રીતે બોર્ડ પર લગાવવામાં આવે.3. તમામ ડોક્ટરો માટે ફરજ દરમિયાન પોતાના નામનો નેમ બેજ પહેરવો ફરજિયાત બનાવવામાં આવે, જેથી ઇન્ટર્ન ડોક્ટર દર્દીઓને ગેરમાર્ગે દોરી શકે નહીં.4. ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા ડોક્ટરો સામે તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે.આ અંગે ગુજરાતના આરોગ્ય મંત્રી, આરોગ્ય વિભાગના સચિવ રાજીવ ટોપનો, GMERS ના CEO ડૉ. મનીષ રામાવત અને આરોગ્ય કમિશનરને પણ નકલ મોકલીને જાણ કરવામાં આવી છે. જો 15 દિવસમાં આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નહીં આવે, તો ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં વિધિવત ફરિયાદ દાખલ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.આ આરોપો બાબતે CDMO દુધરેજીયાનો ટેલિફોનિક સંપર્ક કરતાં તેમણે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, સિવિલ હોસ્પિટલમાં તમામ વિભાગોમાં કામગીરી યોગ્ય રીતે ચાલી રહી છે. તમામ ડોક્ટરે સવારે 9 વાગ્યે આવી જાય છેે અને ડોક્ટરોની નિયમિત હાજરી પણ પૂરવામાં આવે છે. આ દર્દીઓને કંઈ જગ્યાએ સારવાર માટે જવું તેની જાણ ન હોય તેમને રાહ જોવી પડી હોઈ શકે છે. આમ તેમણે તમામ આરોપો ફગાવ્યા હતા.#MorbiUpdate #MorbiCivilHospital #HealthcareIssue #MorbiCollector #MorbiNews #PublicHealth #GujaratHealthDepartment #PatientRights