પદાધિકારીઓ અને અધિકારીઓ માટે રૂટ ઉપરના રોડ તાત્કાલિક ટનાટન કરી દેવાયા, સામાન્ય લોકો માટે કેમ ઝડપી કામગીરી નહિ ? જાગૃત નાગરિકનો વિડીયો વાયરલમોરબી : મોરબીમાં પાયાની સુવિધાઓને લઈને છેલ્લા ઘણા સમયથી ધમાસાણ મચી રહ્યું છે. તેવામાં મહાપાલિકાની નીતિને ઉજાગર કરતી એક ઘટના સામે આવી છે. જેમાં મહાપાલિકાએ એકતા દોડના રૂટ ઉપર તાત્કાલિક ખાડા બુરી અને ગટરના ગંદા પાણી હટાવી દીધા હોવાનું ધ્યાને આવ્યું છે. મોરબીમાં આજે એકતા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પદાધિકારીઓ અને અધિકારીઓ સહિતના નવા બસ સ્ટેન્ડથી બાપા સીતારામ ચોક, ગાંધી ચોક અને ત્યાંથી મણી મંદિર સુધી દોડ લગાવવાના હતા. ત્યારે એક જાગૃત નાગરિકે વિડીયો વાયરલ કરી મહાપાલિકાની ખોરી નિતિને જગજાહેર કરી છે. આ વીડિયોમાં જાગૃત યુવાને જણાવ્યું છે કે એકતા દોડના રૂટ ઉપર તાત્કાલિક ખાડાઓ બુરી દેવામાં આવ્યા છે. ઉપરાંત જ્યાં ગટરના પાણી ઉભરાતા હતા તે પાણી પણ સાફ કરી દેવામાં આવ્યા છે. આમ સામાન્ય જનતાના કામ માટે મહાપાલિકાને સમય મળ્યો નથી. પણ પદાધિકારીઓ અને અધિકારીઓને આ રૂટ ઉપર ચાલવાનું થયું ત્યારે તંત્રને બધા કામ સૂઝયા હતા.