આગામી જાન્યુઆરી માસમાં ઉદ્યોગકારોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા ઓપન હાઉસ યોજવાની પ્રભારી મંત્રીની જાહેરાતમોરબી : આગામી તા.10થી 12 જાન્યુઆરી દરમિયાન રાજકોટ ખાતે કચ્છ - સૌરાષ્ટ્ર વાયબ્રન્ટ રિજનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. તે પૂર્વે મોરબી ખાતે આજે વાઇબ્રન્ટ ગુજરાત અંતર્ગત પ્રભારી મંત્રીની હાજરીમાં મીની વાયબ્રન્ટ સમિટ ચાલી રહ્યું છે. જેમાં સાંજ સુધીમાં 2277 કરોડના એમઓયું સાઈન થવાના છે. મોરબી જિલ્લાના પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાની હાજરીમાં મોરબીના કેશવ બેંકવેટ હોલ, લીલાપર રોડ ખાતે વાયબ્રન્ટ ગુજરાત સમીટનો જિલ્લા સ્તરીય કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે. જેમાં હાલ 1024 કરોડ જેટલા એમઓયું થઈ ગયા છે. જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીના જણાવ્યા અનુસાર આ ઇવેન્ટમાં 2277 કરોડના એમઓયું થવાના છે. ઉપરાંત સરકાર દ્વારા જેટલું મોટા ઉદ્યોગોને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. એટલું જ પ્રોત્સાહન નાના ઉદ્યોગોને પણ આપવામાં આવશે. ઉપરાંત આ વેળાએ પ્રભારી મંત્રી ત્રિકમ છાંગાએ આગામી જાન્યુઆરી માસમાં ઉદ્યોગોના પ્રશ્નોને નિવારવા માટે ઓપન હાઉસ કાર્યક્રમ યોજવાની પણ જાહેરાત કરી છે. આ વેળાએ ધારાસભ્ય પ્રકાશભાઈ વરમોરાએ જણાવ્યું કે મોરબી ઉદ્યોગનું એવું સેન્ટર છે જેનો લાભ 100 કિમિ સુધીના વિસ્તારને મળી રહ્યો છે. હવેનો યુગ એ સેમિકન્ડકટરનો છે. મોરબીના ઉદ્યોગકારો આ ક્ષેત્રમાં પણ ઝંપલાવવું જોઈએ. ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું કે ગુજરાતમાં અનેક ઉદ્યોગો અને રોકાણ ભરપૂર આવ્યું છે. મોરબી સિરામિક ઉદ્યોગ ટાઇલ્સમાં ભાવ વધારી ગુણવત્તામાં પણ અવ્વલ રહે. ઉપરાંત તેઓએ જણાવ્યું કે ઉદ્યોગોને પાણી સહિતની સવલતો મળી રહે તે માટે સરકાર સજ્જ છે. મોરબી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલે જણાવ્યું કે મોટા ઉદ્યોગોના પ્રશ્નોનું તો નિરાકરણ થઈ જાય છે. પણ નાના ઉદ્યોગોના પ્રશ્નોનું પણ નિરાકરણ આવે તે જરૂરી છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયા, પ્રકાશભાઈ વરમોરા, મેઘજીભાઈ ચાવડા, પૂર્વ મંત્રી બ્રીજેશભાઈ મેરજા, જિલ્લા ભાજપ પ્રમુખ જયંતીભાઈ રાજકોટિયા, જિલ્લા ભાજપના મંત્રીઓ કે.એસ.અમૃતિયા અને જેઠાભાઇ મિયાત્રા, કલેકટર, ઇન્ચાર્જ ડીડીઓ, મ્યુનિસિપલ કમિશનર સહિતનાની ઉપસ્થિતિ રહી છે.