મોરબી : યોગને આજે સમગ્ર વિશ્વએ સ્વીકૃતિ આપી છે. નિષ્ણાતોના મત પ્રમાણે યોગ કરવાથી અનેક રોગને જડમૂળથી દૂર કરી શકાય છે. માનવામાં આવે છે કે યોગ કરવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે. યોગ-પ્રાણાયમ કરવાથી ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, હ્રદયરોગ, થાઇરોઈડ અને અસ્થમાં જેવા રોગોથી બચી શકાય છે. કોરોના વાઇરસ આ પ્રકારના રોગથી પીડિત દર્દીઓને જ વધુ શિકાર બનાવે છે તેવું તારણ બહાર આવ્યું છે. 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવામાં આવે છે ત્યારે જાણો એવા જ કેટલાક યોગાસન અને પ્રાણાયમ વિશે અને તેનાથી શરીરને થતા ફાયદા.. 1 વજ્રાસનઃ વજ્ર એટલે સખત, મજબૂત કે પ્રબળ થાય છે. આ આસન કરવા માટે ઘુંટણ વાળીને પગની આંગળી ઉપર સીધા બેસી જાવ. નિતંબ બે પગની ઘુંટીની વચ્ચે આવવા જોઈએ અને બન્ને પગના અંગૂઠા એકબીજા સાથે મળવા જોઈએ. પગની એડીઓ વચ્ચે થોડું અંતર હોવું જોઈએ. શરીરનો સંપૂર્ણ વજન પગ ઉપર રાખો બન્ને હાથને જાંઘ ઉપર રાખો. તમારી કમરની ઉપરનો ભાગ એકદમ સીધો હોવો જોઈએ. થોડીવાર આ સ્થિતિમાં બેસીને લાંબો શ્વાસ લો. લાભઃ તમામ યોગાસનમાં વજ્રાસન જ એકમાત્ર એવું આસન છે જેને ભોજન કે નાસ્તો કર્યા પછી તરત કરી શકાય છે. તેનાથી પાચક શક્તિમાં વધારો થાય છે. આ આસન કરવાથી કબજિયાત મટે છે. તે કરોડરજ્જુ, કમર, જાંઘ, ઘૂંટણ અને પગમાં શક્તિ વધે છે. ધીમે ધીમે લાંબા શ્વાસ લેવાથી ફેંફસા મજબૂત બને છે. શરીરમાં લોહીનો પ્રવાહ સુધરે છે. સ્ત્રીઓમાં અનિયમિત માસિક સ્ત્રાવ જેવા રોગ દૂર થાય છે. 2 મંડૂકાસનઃ મંડૂક એટલે દેડકો, એટલે કે આ આસન કરતી વખતે દેડકાની આકારની સ્થિતિ દેખાય છે. તેથી તેને મંડૂકાસન કહેવાય છે. આ આસન કરવા માટે પ્રથમ વજ્રાસનમાં બેસી જાવ પછી બન્ને હાથની મુઠ્ઠી બંધ કરી દો. મુઠ્ઠી બંધ કરતી વખતે અંગુઠાને આગંળીઓથી અંદર દબાવો, ત્યારબાદ બન્ને મુઠ્ઠીઓને નાભીની બન્ને તરફ સતત શ્વાસ બહા કાઠતા સામે નમતી વખતે શરીરને જમીન ઉપર ટકાવી રાખો. થોડીવાર આ સ્થિતિમાં રહ્યા પછી ધીમે ધીમે વજ્રાસનમાં પરત આવી જાવ. લાભઃ મંડૂકાસન પેટ માટે ખૂબ જ ફાયદાકારક છે. આ આસનથી સ્વાદુપિંડ સક્રિય થાય છે. જેના કારણે તે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન મુક્ત કરવામાં મદદ કરે છે. જેથી ડાયાબિટીસના દર્દીઓને ફાયદો છે. હ્રદયના દર્દીઓ માટે પણ આ આસન ફાયદાકારક માનવામાં આવે છે. 3 અનુલોમ-વિલોમ પ્રાણાયમઃ અનુલોમ-વિલોમ પ્રાણાયમને કેટલાક યોગી નાડીશોધક પ્રાણાયમ પણ કહે છે. કારણ કે આ પ્રાણાયમ કરવાથી શરીરની દરેક નાડી શુદ્ધ થાય છે.આ આસન કરવા જમણા નશકોરાથી શ્વાસને અંદર લેવામાં આવે છે અને ડાબા નશકોરાથી બહાર કાઢવામાં આવે છે. આ પ્રાણાયમની શરૂઆત અને અંત ડાબા નશકોરાથી કરવી. આ પ્રાણાયમ તમે સુખાસન અથવા પદ્માસનમાં બેસીને કરી શકો છો. લાભઃ આ પ્રાણાયમ કરવાથી ફેફસાં શક્તિશાળી બને છે. શરદી, સળેખમ અને અસ્થમાથી ઘણે અંશે બચી શકાય છે. હ્રદય અને શરીરમાં શુદ્ધ ઓક્સિજનનો પુરવઠો વધારે છે. પાચન સિસ્ટમ સુધારે છે. હ્રદયની નાડીમાં અવરોધ કે બંધ હોય તો ખુલી જાય છે. ઉંચા કે નીચા લોહીના દબાણની તકલીફ દૂર થાય છે. આમ રોગપ્રતિકારક શક્તિ વધે છે. 4 ભ્રામરી પ્રાણાયમઃ આ પ્રાણાયમ કરતી વખતે તમે સુખાસન, સિદ્ધાસન, પદ્માસન, વજ્રાસનમાં બેસી શકો છો. બન્ને અંગૂઠાથી કાનને સંપૂર્ણપણે બંધ કરો, બે આંગળીઓ માથા પર મૂકીને છ આંગણીઓને બન્ને આંખો પર મૂકો અને લાંબો શ્વાસ લો. થોડીવાર શ્વાસ રોકી લીધા બાદ તમારે કંઠમાંથી ભમરા જેવો અવાજ કાઢતા શ્વાસ બહાર કાઢો. લાભઃ ભ્રામરી પ્રાણાયમ કરવાથી માથાનો દુઃખાવો, તણાવ, ઉંઘ ન આવવી, થાઈરોડની સમસ્યામાં ફાયદો થાય છે. એકાગ્રતા વધે છે. મન અને મગજને શાંતિ પ્રાપ્ત થાય છે. 5 કપાલભાતીઃ ધ્યાન અથવા કોઈ આસનની મુદ્રામાં બેસી જાવ હવે આંખો બંધ કરી લો. આખા શરીરને હળવું કરી નાખો. ત્યારબાદ નાકમાંથી ઝડપથી શ્વાસ બહાર કાઢવાની ક્રિયા કરો. શ્વાસ બહાર કાઢતી વખતે પેટને અંદરની તરફ ખેંચો. ધ્યાન રાખો કે શ્વાસ બહાર રોક્યા સિવાય તેની જાતે શ્વાસને સામાન્ય રીતે અંદર આવવા દો અને એક સેકન્ડમાં એકવાર શ્વાર બહાર કાઢવાની ક્રિયા કહી શકાય છે ત્યારપછી શ્વાસને અંદર લો. આમ કરતી વખતે સંતુલન જાળવી રાખો. તમારા અંદરથી ધમણ જેવો અવાજ આવશે. આ પ્રક્રિયા ધીમે ધીમે વધારો. લાભઃ કપાલભાતી પ્રાણાયમ કરવાથી ફેફસાં, બરોળ, યકૃત, સ્વાદુપિંડની સાથે હ્રદયની કામગીરીમાં સુધારો થાય છે. કોલેસ્ટરોલ ઘટાડે છે અને ધમનીઓમાં અવરોધને દૂર કરવામાં મદદરૂપ બને છે. શરીરમાં રહેલા ઝેરી તત્વો આ પ્રાણાયમ કરવાથી દૂર થાય છે. ચયાપચય વધે છે અને વજન પણ ઘટાડી શકાય છે. પેટ સંબંધિત કબજિયાત, ગેસ, એસિડિટી જેવી સમસ્યા પણ દૂર થાય છે.આ પ્રાણાયમ સાઇનસને શુદ્ધ કરે છે અને મગજને સક્રિય કરવામાં મદદ કરે છે. ચામડીના રોગ અને વાળ ખરવાની સમસ્યામાં પણ લાભ મળે છે. આ તમામ યોગાસન અને પ્રાણાયમ કરવાથી કોરોના નહીં થાય તેવું માની લેવું નહીં પરંતુ આ યોગ અને પ્રાણાયમ નિયમિત કરશો તો રોગ પ્રતિકારક શક્તિ વધશે.