ટંકારા: ટંકારાના આર્ય સમાજ મંદિરમાં 8 માર્ચના રોજ વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીમાં 135 જેટલી મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પ્રભાબેન મનીપરાની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે હેતલબેન સોલંકી ઉપરાંત મમતાબેન, ઉર્મિલાબેન, હીનાબેન, પૂજાબેન, અંકિતાબેન, દિવ્યાબેન સહિતના મહિલાઓએ ઉદબોધન કર્યું હતું. જેમાં ખાસ કરીને મહિલાઓના જીવન ઉતકર્ષ માટે ઉપયોગી સંદેશો આપવામાં આવ્યો હતો. પ્રભાબેને આપેલા વક્તવ્યમાં મહિલાઓમાં વ્યાપ્ત અંધશ્રદ્ધાઓને દુર કરવા અને શુદ્ધ વૈદિક ધર્મને અપનાવવાની પહેલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમનું સંચાલન રુચિતાબેન પડસુંબિયા દ્વારા કરવામાં આવ્યું હતું. જ્યારે આભાર વિધિ રસીલાબેન દુબરીયાએ કરી હતી. ઉક્ત કાર્યક્રમને સફળ બનાવવા આર્ય મહિલા મંડળના તમામ સદસ્યો સંપૂર્ણ રીતે સક્રિય રહ્યા હતા અને કાર્યક્રમને નિર્ધારિત આયામ સુધી પહોંચાડ્યો હતો.