મોરબી : શ્રી ઉત્તરાધિમઠના શ્રી સત્યપ્રમોદ તીર્થ સ્વામીની 108મી જન્મજયંતિ નિમિત્તે ભારત સરકાર દ્વારા 108 રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડવામાં આવ્યો છે. ગ્રાહક બાબતો, ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયમાં કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી દ્વારા 30 ઓગસ્ટ 2025ના રોજ હૈદરાબાદમાં આ સિક્કો બહાર પાડવામાં આવ્યો હતો.વિશ્વમાં પહેલી વાર જારી કરાયેલા 108 રૂપિયાના સ્મારક સિક્કાનો આ સેટ મોરબીના એડવોકેટ મિતેશ દવે દ્વારા ખરીદવામાં આવ્યો છે, જેઓ સિક્કા એકત્રિત કરે છે. મિતેશ દવેએ જણાવ્યું કે, આ 108 રૂપિયાનો સિક્કો ભારત સરકારના મુંબઈ ટંકશાળમાં બનાવવામાં આવ્યો છે અને આ સિક્કો 40 ગ્રામ શુદ્ધ ચાંદીનો બનેલો છે. સત્યપ્રમોદ તીર્થ સ્વામીજીની 108મી જન્મજયંતિ ઉપરાંત, સનાતન પરંપરામાં 108 નંબરનું પણ વિશેષ મહત્વ છે, તેથી સમગ્ર વિશ્વમાં આ સિક્કાની ભારે માંગ રહેશે. સિક્કા કલેક્ટર્સ ઉપરાંત, દેશ અને વિદેશમાં આ સિક્કાને લઈને ઘણો ઉત્સાહ છે. આ સિક્કો મિતેશ દવેને તેના કલેક્ટર મિત્ર સુધીર લુણાવત દ્વારા મોકલવામાં આવ્યો છે.