વિદ્યાર્થીઓએ ઇકો-ફ્રેન્ડલી થેલીઓ બનાવી વિતરણ કર્યું મોરબી : મોરબીમાં પી.જી.પટેલ કોલેજમાં પ્રમુખ દેવકરણભાઈના નેજા હેઠળ, આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટના નેતૃત્વમાં વિદ્યાર્થીના જીવન વિકાસના વિવિધ આયામો સતત ચાલુ હોય છે. જે અંતર્ગત આજે પી.જી.પટેલ કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA)ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આજના કોલેજીયન યુવાઓ સોશિયલ મીડિયા, હરવા ફરવામાં અને મોજ શોખમાં રચ્યા પચ્યા રહેતા હોય છે ત્યારે પી.જી.પટેલ કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA)ના વિદ્યાર્થીઓ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની દાખલારૂપ અને સમાજને રાહ ચિંધનારી ઉજવણી કરવામાં આવી હતી. આ વિશિષ્ટ ઉજવણી અંતર્ગત લોકો પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરે અને પર્યાવરણ સંરક્ષણ અંતર્ગત જાગૃત થાય તેવા ઉમદા હેતુસર કોલેજના મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA)ના વિદ્યાર્થીઓ દ્વારા બિનઉપયોગી કાગળની પસ્તીમાંથી જાત મહેનતે 500થી વધુ ઇકો-ફ્રેન્ડલી થેલીઓ (CARRY BAGS) તૈયાર કરી હતી અને મોરબીની અલગ અલગ જગ્યાએ રૂબરૂ જઈને આ ઇકો-ફ્રેન્ડલી થેલીઓ (CARRY BAGS)નું વિતરણ કર્યું હતું. તેમજ SAY NO TO PLASTICS, SAY YES TO PAPER BAGSના શિર્ષક હેઠળ પર્યાવરણ સંરક્ષણની દિશામાં સામાજિક જાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો.આ થેલીઓ બનાવવાથી લઈને વહેંચવા સુધીનું દરેક કાર્ય બીબીએ સ્ટુડન્ટ્સ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. આ થેલીઓનું વિતરણ અક્ષય મેડિકલ, ભવાની બેકરી, કેબી બેકરી અને અશોક મેડિકલ જેવી વિવિધ જગ્યાએ કરવામાં આવ્યું. જેની સાથે વિદ્યાર્થીઓએ મોરબી વાસીઓને સંદેશ આપ્યો કે “SAY NO TO PLASTIC”. આ કાર્યક્રમમાં ડો. પ્રેયસભાઈ પંડ્યાએ વિશેષ હાજરી આપી હતી. સમાજને જાગૃત કરવાના આ કાર્યક્રમમાં કોલેજના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ તથા ટ્રસ્ટી દેવકરણભાઈ આદ્રોજાએ હાજરી આપીને વિદ્યાર્થીઓના ઉત્સાહમાં વધારો કર્યો હતો. આ સાથે જ કોલેજના દરેક સ્ટાફ મેમ્બર્સ દ્વારા વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. સમગ્ર ઉમદા પ્રોજેક્ટ બદલ સંસ્થાના પ્રમુખ દેવકરણભાઈ આદ્રોજા, આચાર્ય રવિન્દ્ર ભટ્ટ અને સમગ્ર સ્ટાફગણે મેનેજમેન્ટ ફેકલ્ટી (BBA)ના વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા અને ભવિષ્યમાં પણ આવા જ સમાજ ઉપયોગી અને જન-જાગૃતિના પ્રકલ્પો કરતા રહે તેવી શુભકામનાઓ પાઠવી હતી.