મોરબી : વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારા શહેરમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ટંકારા તાલુકામાં રહેલ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા શહેરનાં મુખ્ય માર્ગો પરથી આદિવાસી પ્રેરણા સ્ત્રોત બિરસા મૂંડા તેમજ બંધારણનાં ઘડવૈયા ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કરીને ડીજેનાં તાલ સાથે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી.આદિવાસી યુવાઓ વડિલો પોતાનાં સામાજિક પરંપરાગત પહેરવેશ તેમજ જય જોહાર જય ભીમનાં ટીશર્ટ સાથે ઉપસ્થિત રહ્યા હતાં. ટંકારા શહેરનાં દરેક મુખ્ય ચોકમાં આદિવાસી નૃત્ય તેમજ તીરબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું. રેલીનાં સમાપનમાં ડૉ.આંબેડકર ભવન ખાતે સભા તેમજ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું.આગામી તારીખ 21 ઓગસ્ટનાં ભારત બંધ એલાનને ટંકારા તાલુકાનાં આદિવાસી સમાજ દ્વારા સમર્થન તેમજ આહવાન કરવામાં આવ્યું હતું. વિશ્વ આદિવાસી દિવસનાં મહારેલીનાં આયોજનમાં એડવોકેટ મનસુખભાઈ ચૌહાણ, કાનજીભાઈ ગોહેલ, નરસિંગભાઈ સંગોળ તેમજ માનસિંગભાઈ ગણાવાએ મુખ્ય જહેમત ઉઠાવી હતી. આ પ્રસંગે બહુજન મિશનરી નાગજીભાઈ ચૌહાણ, મહેશભાઈ લાધવા, રમેશભાઈ રાઠોડ, હસમુખભાઈ સોલંકી, અશોકભાઈ ચાવડા વગેરે આગેવાનો સહિત આશરે બે હજારથી વધું આદિવાસી યુવાઓ વડિલો બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.