પ્રથમ દિવસે વર્કશોપમાં 45 જેટલા બાળકો જોડાયા : નિષ્ણાંતો દ્વારા કારકિર્દીલક્ષી માર્ગદર્શન અપાયુંમોરબી : સરકારી પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી બાળકો માટે RIMC પરીક્ષા માટેના વર્કશોપનો આંબાવાડી તાલુકા શાળા ખાતે પ્રારંભ થયો છે. જેમાં નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓને કારકિર્દીલક્ષી માર્ગદર્શન આપવામાં આવશે. જિલ્લા વિકાસ અધિકારી પ્રજાપતિના માર્ગદર્શન તેમજ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી એન.એ.મહેતાની પ્રેરણા તેમજ તાલુકા પંચાયત મોરબી અને બીઆરસી ભવન મોરબી દ્વારા આયોજિત સરકારી પ્રાથમિક શાળાના બાળકો માટેના વર્કશોપનું આજથી આંબાવાડી તાલુકા શાળા ખાતે પ્રારંભ કરવામાં આવ્યો હતો. આર્મી નેવી અને એરફોર્સની સંયુક્ત પાંખ દ્વારા અપ્રતિમ શોર્ય અને સમગ્ર દેશવાસીઓમાં દેશદાઝની ભાવના ઉત્પન્ન કરનાર ઓપરેશન સિંદૂર અત્યારે અત્ર તત્ર સર્વત્ર ચર્ચામાં છે.ત્યારે કર્નલ સોફિયા કુરેશી કે વીંગ કમાન્ડર વ્યોમિકા સિંહ જ્યારે ઓપરેશન સિંદૂર વિશે સમગ્ર ભારત દેશને માહિતગાર કરતા હોય ત્યારે સ્વાભાવિક છે કે પ્રત્યેક વિદ્યાર્થી અને વિધાર્થીનીને દેશ વિશે, દેશ માટે કંઈક કરવાની ઈચ્છા જાગે. નેશનલ ડિફેન્સ એકેડેમી હોય કે રાષ્ટ્રીય ઇન્ડિયન મિલેટ્રી અકાદમી જેવી ઇન્સ્ટિટયૂટ કે જેમણે આપણા દેશને મેજર સોમનાથ શર્મા, જનરલ બીપીન રાવતજી, અભિનંદન વર્ધમાન ,મનોહર પરિકર જેવા અનેક રત્નો આ દેશને આપ્યા છે. ત્યારે આવી પ્રતિષ્ઠિત અને વ્યક્તિત્વનો સમગ્રતયા વિકાસ કરતી આવી સંસ્થાઓમાં પ્રવેશ લઈને કંઈક કરી છૂટવાની કંઈક બનવાની પ્રેરણા વિદ્યાર્થીઓમાં જાગે તે માટે માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ ની પ્રેરણા દ્વારા આવા બાળકોને આ પ્રકારની કેરિયર તરફ અભિમુખતા કેળવાય, આ પ્રકારની પરીક્ષાઓ માટે તેઓ સજ્જ થાય તેવા ઉમદા હેતુથી આ પ્રકારના વર્કશોપનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં આંબાવાડી તાલુકા શાળા ખાતે આજે વર્કશોપની શરૂઆતમાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.જી.વોરા તેમજ બી.આર.સી કોઓર્ડીનેટર ચિરાગભાઈ આદરોજા દ્વારા વર્કશોપની શરૂઆત કરાવવામાં આવી. આજે પ્રથમ દિવસે વર્કશોપ માં 45 જેટલા બાળકો એ ભાગીદારી નોંધાવી છે. આજના દિવસે તજજ્ઞ તરીકે દેવાયતભાઈ હેરભા મીનાબેન વિરમગામાં તેમજ દીપકભાઈ મેરજાએ સેવા પૂરી પાડી. વર્કશોપના સુચારું સંચાલન અને વ્યવસ્થા સી.આર.સી કો-ઓર્ડીનેટર બાબુલાલ દેલવાડીયા અને સી.આર.સી ટીમ દ્વારા કરવામાં આવી. શાળાના આચાર્ય મુકેશભાઈ મારવણીયા તથા શાળા સ્ટાફ દ્વારા આ વર્કશોપ માટે તમામ વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી હતી. તેમ યાદીમાં જણાવાયું છે..