મોરબી : માળિયા તાલુકામાં રૂ.2.39 કરોડના ખર્ચે વિવિધ 9 ગામોના તળાવો લિન્ક કરવાના કામો મંજુર કરવામાં આવ્યા છે. જેના થકી હવે ખેડૂતોને સિંચાઈનું પાણી સરળતાથી મળી રહેવાનું છે. સિંચાઈ વિહોણા માળિયા તાલુકાના ગામોને પાણી પુરુ પાડવાની મોરબી ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની ઝુંબેશ રંગ લાવી રહી છે. માળિયા તાલુકામાં કુલ રૂ.230.04 લાખ એટલે કે રૂ. 2.30 કરોડના ખર્ચે કામો મંજુર કરવામાં આવ્યા છે. જસાપર, નાની બરાર, જાજાસર અને દેવગઢના તળાવો લિંક કરવા રૂ. 40.66 લાખ, ધરમનગરથી રાસંગપર તળાવને લીંક કરવા રૂ. 99.92 લાખ, નવાગામથી ધરમનગર તળાવને લીંક કરવાનું કામ રૂ.70.51 લાખ તથા મહેન્દ્રગઢ અને સરવડ ગામના તળાવો લિંક કરવાના રૂ.18.95 લાખના કામોને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવેલ છે. આ તળાવો લિંક થવાથી સિંચાઈ તથા પશુપાલન વ્યવસાયને ફાયદો થશે. ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની રજૂઆતનું હકારાત્મક પરિણામ આવવાથી તમામ 9 ગામોમાં આનંદ વ્યાપી ગયો છે. તેમ યાદીમાં જણાવાયું છે.