બીમારી, અંગત કારણોસર તેમજ કામનું ભારણ વધ્યું હોવાના બહાના હેઠળ કર્મચારીઓએ આપ્યા રાજીનામા : રાજીનામા પાછળ ઉપરી અધિકારીઓના ઠપકા કારણભૂત ?મોરબી : મોરબી મહાનગર પાલિકા બન્યાને એક મહિનો પણ હજુ પૂર્ણ નથી થયો ત્યાં જ નગરપાલિકા સમયન જૂના જોગી એવા 15 કર્મચારીઓ પૈકી 5 કર્મચારીઓએ સામુહિક રાજીનામા કમિશનર સમક્ષ ધરી દેતા ચકચાર જાગી છે. પાંચેય કર્મચારીઓએ રાજીનામા માટે અલગ અલગ કારણો રજૂ કર્યા છે જેમાં કામનું ભારણ મુખ્ય છે, બે કર્મચારીઓએ બીમારી સબબ તો એકે અંગત કારણોસર રાજીનામુ આપ્યાનું જણાવ્યું છે.સિરામિક નગરી મોરબી શહેરને મહાપાલિકાનો દરજ્જો મળ્યાને હજુ 28 દિવસ થયા છે ત્યાં જ પાલિકાના જુના અધિકારીઓએ કામનું ભારણ વધવાની સાથે, બીમારી તેમજ અંગત કારણોસર મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રાજીનામા ધરી દેતા કોર્પોરેશનના કર્મચારીઓમા સોપો પડી ગયો છે. નોંધનીય છે કે, મહાપાલિકા અસ્તિત્વમાં આવતા જ હાલમાં કર્મચારીઓની કમી વચ્ચે એક એક અધિકારીને બબ્બે કે ત્રણ - ત્રણ કામગીરીના ચાર્જ સોંપવમાં આવ્યા હોવાથી અત્યાર સુધી એક જ વિભાગ સાંભળતા કર્મચારીઓ કામના બોજ નીચે દબાયા છે.વધુમાં મોરબી મહાનગર પાલિકામાં બાગ બગીચા વિભાગના નિરંજન ભટ્ટ, લાયબ્રેરી વિભાગના લાખુભા ઝાલા, વ્યવસાય વેરા અધિકારી જગદીશભાઈ સોલંકી, પાણી પુરવઠા વિભાગના હર્ષદભાઈ કંસારા અને ટ્રાન્સપોર્ટ વિભાગના હિતેશ દવેએ મ્યુનિસિપલ કમિશનર સમક્ષ રાજીનામા મુક્યા છે જેથી હવે કમિશનર કેવો નિર્ણય કરે છે તેના ઉપર દારોમદાર રહેલો છે.____________________હજુ પણ અનેક કર્મચારીઓ રાજીનામા આપવાના મૂડમાંમોરબી મહાનગર પાલિકા પાસે હાલમાં નગરપાલિકા સમયના માત્ર 15 જ અધિકારી છે જે પૈકી આગામી એક બે મહિનામાં ત્રણથી ચાર કર્મચારીઓ નિવૃત થઈ રહ્યા છે તેવા સમયે જ 5 કાયમી અધિકારીઓએ રાજીનામા ધરી દેતા કોર્પોરેશનની ગાડી ટોપ ગિયરમાં પડયા પહેલા જ અટવાઈ પડી હોય તેવી સ્થિતિ નિર્માણ પામી હોવાનું જણાય રહ્યું છે. ખાસ કરીને હાલની સ્થિતિમા એક એક અધિકારીને બબ્બેથી ત્રણ ત્રણ ચાર્જ સોંપવામાં આવ્યા હોય કામના ભારણને લીધે જ જુના જોગીઓએ રાજીનામાં આપ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.સાથે જ આગામી સમયમાં હજુ પણ અન્ય કર્મચારીઓ રાજીનામા ફેકવાના મૂડમાં હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.____________________રાજીનામા પાછળ ઉપરી અધિકારીઓના ઠપકા પણ જવાબદારમોરબી મહાનગર પાલિકાના જુના જોગીઓ અને ઓલરાઉન્ડર ગણાતા પાંચ જેટલા કર્મચારીઓએ એક સાથે રાજીનામા ધર્યા છે ત્યારે આ રાજીનામા પાછળ કામનું ભારણ મુખ્યત્વે જવાબદાર હોવાની સાથે ઉચ્ચ અધિકારીઓ તરફથી કામ બાબતે મળતા ખોટા ઠપકા પણ જવાબદાર હોવાનું કર્મચારી આલમ જણાવી રહ્યો છે.____________________