મોરબીના વીસીપરાનો યુવક છેલ્લા એક વર્ષથી વાડીમાં મજૂરી કામ કરતો હતો : ટંકારા પોલીસે વાડી માલીકની ફરિયાદને આધારે ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યામોરબી: ટંકારા તાલુકાના નસીતપુર ગામની સીમમાં એક ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. જેમાં વાડીમાં કામ કરતા મોરબી વીસીપરાના ખેત મજૂર યુવક પર પાકીટ ચોરીની શંકા રાખીને અન્ય એક શખ્સે લાકડાના ધોકા વડે બેરહેમીપૂર્વક માર મારી મોતને ઘાટ ઉતારી દીધો છે. આ અંગે ટંકારા પોલીસે હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બનાવની વિગતો મુજબ, રાજકોટના રતનપર ખાતે રહેતા અને મૂળ નસીતપુર ગામના ખેડૂત અશોકસિંહ હનુભા ઝાલા (ઉંમર 40) ની નસીતપુર ગામની સીમમાં આવેલી વાડીમાં મોરબી વીસીપરાનો રવિભાઈ બાબુભાઈ ચોરાસા નામનો યુવક છેલ્લા 1 વર્ષથી એકલો રહીને ખેત મજુરી કામ કરતો હતો. 28/06/2026 ના રોજ રાત્રે જીયારતનો તહેવાર હોવાથી રવિભાઈ તેમજ તેના મિત્રો અમીન પલેજા, અનિલ મકવાણા, કનુ તીતી અને હાસમ ચીચો વાડીની ઓરડી પાસે ભેગા થયા હતા.રાત્રે આશરે 22:00 વાગ્યાની આસપાસ અનિલ અશ્વિનભાઈ મકવાણા (રહે. મોરબી) નું પાકીટ ખોવાઈ ગયું હતું. જેથી અનિલે પાકીટની શોધખોળ શરૂ કરી હતી, જે બાદમાં રવિભાઈ પાસેથી મળી આવ્યું હતું. આ બાબતની અદાવત રાખીને અનિલ મકવાણા ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે લાકડાના ધોકા વડે રવિભાઈને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં આડેધડ ફટકારવાનું શરૂ કર્યું હતું. માથાના ભાગે ગંભીર ઇજા થવાના કારણે પુષ્કળ લોહી વહી ગયું હતું. જેથી હાજર અન્ય મિત્રો રવિને મોટરસાયકલ પર સારવાર માટે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લઈ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં જ તે બેભાન થઈ ગયો હતો. હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના તબીબે રવિને તપાસીને મૃત જાહેર કર્યો હતો. બનાવ બાદ આરોપી અનિલ મકવાણા ત્યાંથી નાસી છૂટ્યો હતો.આ ઘટના અંગે વાડી માલિક અશોકસિંહ હનુભા ઝાલાની ફરિયાદના આધારે ટંકારા પોલીસ સ્ટેશનમાં આરોપી અનિલ અશ્વિનભાઈ મકવાણા સામે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 103(1) તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 મુજબ હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ટંકારા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્રસિંહ દિલુભા ઝાલાએ આ મામલે આગળની તપાસ હાથ ધરી છે.#MorbiUpdate #MorbiNews #Tankara #CrimeNews #MurderCase #MorbiPolice #BreakingNews #GujaratCrime