શાળાના 809 બાળકો, શોરૂમના 9 કર્મચારીઓ અને હોસ્પિટલના 22 કર્મચારીઓને ફાયર સેફ્ટી અંગેની તાલીમ અપાઈ મોરબી: મોરબી મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડ શાખા દ્વારા આગ અટકાવવા અને જાનમાલનું રક્ષણ કરવાના હેતુથી એક સઘન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તાજેતરમાં, 20 ઓગસ્ટથી 26 ઓગસ્ટ, 2025 દરમિયાન, ફાયર પ્રિવેન્શનની તાલીમ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સપ્તાહ દરમિયાન, ત્રણ શાળાઓના 809 બાળકો તેમજ એક અવધ TVS શોરૂમના 9 કર્મચારીઓ અને એક હોસ્પિટલના 22 કર્મચારીઓને ફાયર સેફ્ટી અને આગને કાબુમાં લેવા અંગે તાલીમ આપવામાં આવી હતી. આ ઉપરાંત, ફાયર NOC વગરની ઇમારતોને નોટિસ પાઠવવામાં આવી હતી. અગાઉ આપવામાં આવેલી નોટિસ બાદ, 48 કોમ્પ્લેક્સ અને 20 સમાજવાડીઓમાં ફાયર સેફ્ટી સિસ્ટમ્સ લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વધુમાં, ફાયર સેફ્ટી પ્લાન અપ્રૂવલ માટેની ચાર અરજીઓ પણ R.F.O. કચેરીમાં મોકલવામાં આવી છે.મોરબી ફાયર બ્રિગેડનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને ફાયર સેફ્ટી વિશે જાગૃત કરવાનો, ફાયર સાધનોના યોગ્ય ઉપયોગ વિશે માહિતગાર કરવાનો અને કોઈ પણ કટોકટીની પરિસ્થિતિમાં તાત્કાલિક પ્રતિભાવ આપી જાનમાલને બચાવવાનો છે. કોઈપણ ઈમરજન્સીની સ્થિતિમાં, લોકો મોરબી ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસનો (02822) 230050, 101 અથવા 112 સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.