ફોરટ્રેક હેઠળ દબાઈ ભૂગર્ભ ગટરની મુખ્ય લાઈન જતા તેને પૂર્વવત કરવા સ્થાનીય મહિલા કાઉન્સિલરની રજુઆત મોરબી : મોરબી બાયપાસની ચાલી રહેલી ફોરટ્રેક રસ્તાની કામગીરીમાં અણઘડ આયોજનને લઈને વોર્ડ નંબર 11ની આશરે 15 જેટલી સોસાયટીઓની મુખ્ય ભૂગર્ભ ગટરની લાઈનો આ રોડ હેઠળ દબાઈ જતા હાલ ચારે તરફ ગંદકી ઉભરાઈ રહી હોય ભારે રોગચાળાનો ભય મંડરાઈ રહ્યો છે. વોર્ડ નંબર 11ના કાઉન્સિલરે ઉપર મુજબની રજુઆત કાર્યપાલક ઈજનેર, ગટર અને પાણી પુરવઠા વિભાગને કરી છે. વોર્ડ નંબર 11ના કાઉન્સિલર કુસુમબેન કરમશીભાઈ પરમારે ગટર અને પાણી પુરવઠા વિભાગના કાર્યપાલક ઈજનેર સોલંકીને લેખિત રજુઆત કરતા જણાવ્યું છે કે મોરબી બાયપાસની ચાલી રહેલી ફોરટ્રેક કામગીરીમાં અણઘડ અયોજનને લઈને આસપાસની આશરે 15 જેટલી સોસાયટીઓ ભૂગર્ભ ગટરની મેઈન લાઈન આ રોડ હેઠળ દબાઈ ગઈ છે. જેને કારણે હાલ ચોકઅપ થઈ ગયેલી લાઈનનું રીપેરીંગ થઈ શકતું નથી. વળી યોગ્ય આયોજનના અભાવે ઘણી જગ્યાઓ પર ભૂગર્ભ ગટરના મેઈન હોલ રસ્તા વચ્ચે આવી જતા તૂટી ગયા છે. આવા સંજોગોમાં આ વિસ્તારમાં ગંદકીનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. હાલ ચાલી રહેલી કોરોનાની મહામારીને લઈને મોટા રોગચાળાનો ભય તો છે જ એ ઉપરાંત આ ગંદકીને લઈને સ્થાનિકોનું આરોગ્ય પણ જોખમાયું છે ત્યારે વિજિલન્સ દ્વારા આ આયોજન કોના કહેવાથી અને કોના માર્ગદર્શન હેઠળ થયું છે તેની સંપૂર્ણ તપાસની પણ વોર્ડ નંબર 11ના કાઉન્સિલર કુસુમબેન પરમારે કરી છે.