ટૂંક સમયમાં ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાશે; ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વનું પગલુંમોરબી : હળવદ શહેરના વિકાસ અને ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાતા વેગડવાવ ફાટક પાસેના પ્રસ્તાવિત ઓવરબ્રિજ અને અંડરબ્રિજ પ્રોજેક્ટમાં આજે એક મોટી સફળતા મળી છે. રેલવે વિભાગની મંજૂરી બાદ આજે આ કામગીરીની ફાઈનલ માપણી (સર્વે) સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. આ મહત્વપૂર્ણ કામગીરીમાં હળવદ નગરપાલિકાની ટીમ, મોરબી ડી.એલ.આર (DLR) કચેરી, જી.યુ.ડી.સી (GUDC) મોરબી અને તેમની પી.એમ.સી (PMC) ટીમના અધિકારીઓ સંયુક્ત રીતે ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ એજન્સીઓના સંકલનથી બ્રિજના નિર્માણ માટેની આખરી માપણી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે.આ પ્રોજેક્ટથી શું ફાયદો થશે?આ માપણી પૂર્ણ થવાથી હવે હળવદ શહેરના વિકાસને નવી ગતિ મળશે. વેગડવાવ ફાટક પર વારંવાર સર્જાતી ટ્રાફિક જામની સમસ્યાનો આ બ્રિજ બનવાથી કાયમી ઉકેલ આવશે. હળવદ શહેર તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારના નાગરિકો માટે આ સુવિધા આશીર્વાદરૂપ સાબિત થશે.હવે પછીની પ્રક્રિયા શું?તંત્ર દ્વારા મળેલી માહિતી મુજબ, ફાઈનલ માપણી પૂર્ણ થયા બાદ હવે ટૂંક સમયમાં જ પ્રોજેક્ટ માટેની ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ત્વરિત ગતિએ કામ શરૂ કરવામાં આવશે, જેનાથી હળવદવાસીઓને વહેલી તકે આ સુવિધાનો લાભ મળી શકે.