મોરબી : મોરબીના ભક્તિનગર સર્કલ પાસે ચાલી રહેલ ઓવર બ્રિજ તેમજ કંડલા બાયપાસે નવલખી ફાટકે રેલ્વે ઓવર બ્રિજનું કામ ધીમી ગતિથી ચાલતું હોય વારંવાર વાહન વ્યવહારને મુશ્કેલી પડે છે તેવી લોક ફરિયાદો આવતા મોરબી -માળીયા (મી) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજ્યના માર્ગ -મકાન સચિવને ખાસ તાકીદ કરી છે. જેમાં ધારાસભ્ય મેરજાએ જણાવ્યુ છે કે આ કામ ઘણા લાંબા સમયથી મંદ ગતીએ ચાલે છે તેમજ આ બંને સ્થળે આપવામાં આવેલ સર્વિસ રોડ પણ બિસ્માર હોય મોટરસાઇકલ તેમજ કારચાલકોને ભારે મોટી મુશ્કેલી પડે છે. તેમજ ભારે વાહનોની અવર જવરને કારણે ઘણી વાર લાંબો સમય સુધી ટ્રાફિક પણ જામ રહે છે. આ સ્થિતિ નિવારવા વહેલી તકે આ બંને ઓવર બ્રિજના કામો પૂર્ણ થાય તેમ કરવું જરૂરી છે. સાથો સાથ જ્યાં કામ ચાલે છે ત્યાં ડ્રેનેજ નિકાલની કામગીરી પણ વ્યવસ્થિત થતી રહે જેથી કરીને ભવિષ્યમાં પાણી નિકાલના પ્રશ્નો ન ઉદભવે તેમ કરવું પણ જરૂરી જણાય છે. સાથોસાથ આ બંને સ્થળે ચાલતા કામ ઉપર ટ્રાફિકની સેફટી માટેના સાઇન બોર્ડ સહિતની આનુષાંગિક કામગીરી પણ થાય જેથી કરીને અકસ્માતો થતાં નિવારી શકાય. ભક્તિનગર સર્કલના ઓવરબ્રિજના બંને સર્વિસ રોડપણ તાત્કાલિક ટોય અગ્રતાથી મરામત કરવા ક્ષેત્રિય ઈજનેરોને પણ ધારાસભ્યએ તાકીદ કરી છે.