ખાનગી કોન્ટ્રાકટર ઢોર પકડવાની કામગીરી ન કરતા કોન્ટ્રાકટ રદ્દ કરી મહાપાલિકાએ જાતે કામગીરી શરૂ કરી દીધીમોરબી : મોરબી શહેરમાં રસ્તે રખડતા ઢોર પકડવા માટે કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હોવા છતાં કોન્ટ્રાકટર દ્વારા કામગીરી કરવામાં ન આવતા હાલમાં શહેરમાં અનેક લોકો ઢીંકે ચડવાની સાથે રોજે રોજ આખલા યુદ્ધના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા અંતે ખુદ મહાનગર પાલિકાએ પોતાની ટિમો મેદાને ઉતારી રખડતા ઢોર ડબ્બે પુરવાનું શરૂ કર્યું છે. મોરબી શહેરમાં વર્ષોથી રસ્તે રઝળતા ઢોરની સમસ્યા વકરી રહી હોય ભૂતકાળમાં નગરપાલિકા દ્વારા સમયાંતરે ઢોર પકડવાની કામગીરી કરવાની સાથે ખાનગી કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. જો કે,મહાનગર પાલિકા અસ્તિત્વમાં આવ્યા બાદ ઢોર પકડવાની કામગીરી કરતા કોન્ટ્રાકટર દ્વારા અસરકારક રીતે ઢોર પકડવામાં ન આવતા હોવાથી મોરબીની મુખ્ય બજારો ઉપરાંત નાના મોટા તમામ વિસ્તારમાં રસ્તે રખડતા ઢોરની વ્યાપક ફરિયાદ ઉઠી છે. નોંધનીય છે કે, હાલમાં શહેરમાં દરરોજ ઠેકઠેકાણે આખલા યુદ્ધના દ્રશ્યો પણ સામાન્ય બનતા અંતે મહાનગર પાલિકા દ્વારા ગઈકાલથી કોર્પોરેશનની ટીમોને જ ઢોર પકડવા માટે મેદાનમાં ઉતારવામાં આવી છે.મોરબી મહાનગર પાલિકાના ડેપ્યુટી કમિશનર સંજય સોનીએ જણાવ્યું હતું કે, કોર્પોરેશન દ્વારા ઢોર પકડવાની કામગીરી કરતા કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાકટ રદ્દ કરી દેવામાં આવ્યો છે અને હવેથી ઢોર પકડવાની કામગીરી મહાનગર પાલિકા દ્વારા જ કરવામાં આવશે. સાથે જ બે દિવસમાં તખ્તસિંહજી રોડ અને જુના મહાજન ચોક, નવા ડેલા રોડ સહિતના વિસ્તારમાંથી 14 ઢોર પકડી ડબ્બે પુરવામાં આવ્યા હોવાનું જણાવી આગામી દિવસોમાં શહેરભરમાં કડક હાથે ઝુંબેશ ચલાવી માલિકીના ઢોર પકડાય તેવા કિસ્સામાં દંડ વસૂલવા સહિતની કામગીરી કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.