UCC બિલને રાજ્યપાલ બાદ રાષ્ટ્રપતિની આખરી મંજૂરી મળતા ગુજરાત રાજ્ય સરકારે સત્તાવાર ગેઝેટ પ્રસિદ્ધ કર્યું મોરબી : ગુજરાત વિધાનસભામાં પસાર કરવામાં આવેલા યુનિફોર્મ સિવિલ કોડ બિલને રાજ્યપાલ બાદ હવે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની આખરી મંજૂરી મળી ગઈ છે. રાષ્ટ્રપતિના હસ્તાક્ષર થતાં જ રાજ્ય સરકારે સત્તાવાર ગેઝેટમાં ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, ૨૦૨૬ પ્રસિદ્ધ કરી દીધું છે. આ કાયદો સમગ્ર ગુજરાતમાં તેમજ રાજ્ય બહાર રહેતા ગુજરાતના રહીશોને પણ લાગુ પડશે. આ ઐતિહાસિક કાયદાના અમલ સાથે જ રાજ્યમાં સંપત્તિ અને વારસાઈમાં મહિલાઓને સમાન કાનૂની હક્ક પ્રાપ્ત થશે.ધી ગુજરાત યુનિફોર્મ સિવિલ કોડ, ૨૦૨૬ નવા કાયદાની જોગવાઈ મુજબ, જો કોઈ વ્યક્તિ વસિયતનામું એટલે કે, વીલ કર્યા વગર અવસાન પામે, તો તેની મિલકતમાં પત્ની કે પતિ, સંતાનો અને માતા-પિતાને કાયદાકીય રીતે સમાન હિસ્સો મળશે. આ ઉપરાંત, સરોગસી, દત્તક લીધેલા કે લગ્ન બહાર જન્મેલા બાળકોને પણ જૈવિક બાળકોની સમાન જ સંપત્તિ અને વારસાના તમામ અધિકારો આપવામાં આવ્યા છે.આ નવા કાયદા હેઠળ લગ્ન સમયે યુવકની ઉંમર ૨૧ વર્ષ અને યુવતીની ૧૮ વર્ષ હોવી ફરજિયાત છે. કાયદાના અમલ બાદ થતા તમામ લગ્નોનું ૬૦ દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવવું અનિવાર્ય રહેશે, જો નોંધણી નહીં થાય તો દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ જીવિત જીવનસાથીની હયાતીમાં બીજા લગ્ન કરી શકાશે નહીં. જોકે, તમામ ધર્મોની પરંપરાગત લગ્નવિધિઓ જેમ કે, નિકાહ, સપ્તપદી વગેરે યથાવત રહેશે. લિવ-ઇન રિલેશનશિપમાં રહેતા યુગલોએ પણ રજિસ્ટ્રાર સમક્ષ ફરજિયાત નોંધણી કરાવવી પડશે. બંધારણની જોગવાઈઓ હેઠળ અનુસૂચિત જનજાતિ એટલે કે, એસટી સમુદાયને આ કાયદામાંથી મુક્તિ આપવામાં આવી છે. બીજી તરફ, લગ્ન અને છૂટાછેડાના વિવાદો માટે કોર્ટમાં જતા પહેલા ‘પ્રિ-લિટિગેશન મેડિએશન’ એટલે કે, મધ્યસ્થતાની સુવિધા પણ આપવામાં આવી છે. નોંધનીય છે કે હવે લગ્ન નોંધણી વગર નોકરી કે સરકારી દસ્તાવેજોમાં વૈવાહિક સ્થિતિ દર્શાવી શકાશે નહીં.