ગેસના બાટલા અને બેનરો સાથે મહિલાઓ રસ્તા પર ઉતરી: ભાજપ સરકાર પર કર્યા આકરા પ્રહારવાંકાનેર (મોરબી અપડેટ) : દિન-પ્રતિદિન વધી રહેલી મોંઘવારીના વિરોધમાં ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ગીતાબેન પટેલના આદેશ અનુસાર, મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ દ્વારા વાંકાનેર શહેરમાં તાલુકા કક્ષાનો મોંઘવારી વિરુદ્ધનો વિરોધ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મહિલાઓએ બેનરો સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજનીનો આક્રોશદમયંતીબેન નિરંજનીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં 350 રૂપિયામાં મળતો ગેસનો બાટલો આજે ભાજપ સરકારમાં 1200 રૂપિયા થઈ ગયો છે. તેલનો ડબ્બો 3500, ઘઉં 700 થી 800 રૂપિયા અને ગરીબની કસ્તુરી સમાન ડુંગળી 70-80 રૂપિયે કિલો થઈ ગઈ છે. તેમજ ખાંડના ભાવ અંગે કહ્યું કે આજે એટલી મોંઘવારી છે કે રક્ષાબંધન કે સાતમ-આઠમ જેવા તહેવારોમાં બહેનો પોતાના ભાઈ કે બાળકોને મીઠાઈ પણ ખવડાવી શકતી નથી. વધુમાં તેમણે વડાપ્રધાનના જૂના નિવેદનને યાદ કરતા કહ્યું કે, પહેલા 15 પૈસાનું પોસ્ટકાર્ડ લખીને ફરિયાદ કરવાનું કહેવાતું હતું, પણ સરકારે આજે પોસ્ટકાર્ડના ભાવ પણ વધારી દીધા છે.માયનોરીટી સેલના મહિલા પ્રમુખ મોડ જીન્નતબેનની રજૂઆતમોરબી જિલ્લા મહિલા કોંગ્રેસના ઉપપ્રમુખ અને માયનોરીટી સેલના પ્રમુખ મોડ જીન્નતબેને જણાવ્યું હતું કે, તેલ, ખાંડ અને દૂધ જેવી જીવનજરૂરી વસ્તુઓ મોંઘીદાટ થઈ ગઈ છે, જ્યારે બીજી તરફ દારૂ સસ્તો અને શેરીએ-ગલીએ આસાનીથી મળી રહ્યો છે. રોજનું 300 થી 500 રૂપિયા કમાતા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોનું ગુજરાન ચલાવવું મુશ્કેલ બની ગયું છે. એક વ્યક્તિ કમાનાર હોય તો ઘરનો ખર્ચ કઈ રીતે કાઢવો? તેમણે સરકારને ગરીબ અને સામાન્ય જનતા પર દયા રાખી મોંઘવારી ઘટાડવા અને જીવનજરૂરી વસ્તુઓના ભાવ કાબુમાં લેવા અપીલ કરી હતી.આ વિરોધ પ્રદર્શનમાં મોરબી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ દમયંતીબેન નિરંજની, ઉપપ્રમુખ શાયરાબેન કડીવાર, વાંકાનેર તાલુકા મહિલા પ્રમુખ ગીતાબેન મોહનભાઈ પરમાર, માયનોરીટી સેલના મહિલા પ્રમુખ મોડ જીન્નતબેન અને પ્રભાબેન સહિત બહોળી સંખ્યામાં મહિલા કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.#MorbiUpdate #Wankaner #WomenCongress #ProtestAgainstInflation #PriceHike #GujaratPolitics #MorbiNews #Morbi