મોરબી : મોરબીના રવાપર રોડ પર આવેલા રોયલ પાર્ક એપાર્ટમેન્ટમાં છેલ્લા છ દિવસથી પાણી ન આવ્યું હોય આ મામલે મહિલાઓ રવાપર રોડ પર આવેલી મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી. જ્યાં મહિલાઓએ ઉગ્ર રજૂઆત કરીને તાત્કાલિક પાણીનો પ્રશ્ન હલ કરવા માગણી કરી હતી.આ અંગે રોયલ પાર્ક એપાર્ટમેન્ટના મીનાબેને જણાવ્યું હતું કે, છેલ્લા છ દિવસથી પાણીનું એક ટીપું પણ આવ્યું નથી અને 15 દિવસથી પાણીનો પ્રશ્ન ઊભો થયો છે. આ અંગે ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાના કાર્યાલયે પણ રજૂઆત કરી હતી. ત્યારબાદ આજે મોરબી મહાનગરપાલિકાની ક્લસ્ટર કચેરીએ રજૂઆત કરવામાં આવી છે. રીપેરીંગ કામ ચાલી રહ્યું હોવાથી પાણી નથી આપવામાં આવી રહ્યું તેવું કચેરીએથી જણાવવામાં આવ્યું છે.આ અંગે રહીશ સોનલબેને જણાવ્યું હતું કે, છ દિવસથી રીપેરીંગના નામે ખોદીને રાખવામાં આવ્યું છે પરંતુ કોઈ કામ કરવામાં આવ્યું નથી. જેના કારણે છેલ્લા છ દિવસથી ટીપુંય પાણી આવ્યું નથી. જેથી અમારે દરરોજ 6 થી 7 પાણીના ટેન્કર સ્વ ખર્ચે મંગાવવા પડે છે. આવતીકાલે 9 વાગ્યા સુધીમાં જો પાણીનો પ્રશ્ન નહીં થાય તો અમે મોરબી મહાનગરપાલિકાની મુખ્ય કચેરીએ જઈને રજૂઆત કરીશું.