મોરબી : વર્ષોની જૂની પરંપરા મુજબ ઋષિપંચમીએ મહિલાઓ નજીકની નદીઓ પર સ્નાન કરવા જતી હોય છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં આ દિવસે મહિલાઓ નદીએ સ્નાન કરીને પૂજા અર્ચના કરતી હોય છે. જો કે આ વર્ષે કોરાનાની મહામારીને અનુલક્ષીને પાલન કરવાની થતી ગાઇડલાઇન્સ અનુસાર શ્રાવણ માસ દરમ્યાન આયોજિત થતા મેળાઓ અને મંદિરોના ઉત્સવો મોકૂફ રખાયા હતા એ નિયમ મુજબ આવનારા દિવસોમાં ભાદરવા માસમાં આવતા કાર્યક્રમો પણ મુલતવી રાખવાનો સિલસિલો યથાવત રહ્યો છે. મોરબી નજીક આવેલા રામધન આશ્રમ ખાતે દર વર્ષે ઋષિપંચમીના રોજ આયોજિત થતો મહિલાઓનો સ્નાનાદિક કાર્યક્રમ અને પ્રસાદ વિતરણ કાર્યક્રમ સામાજિક અંતર જાળવવાના ભાગરૂપે આ વર્ષે આયોજિત થશે નહિ. જો કે ભાવિક મહિલાઓ દર્શન તેમજ પૂજાવિધિ કરી શકશે. આ માટે સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવાના નિયમોનું ચુસ્ત પાલન કરવું પડશે એમ આશ્રમના મહંત ભાવેશ્વરીમાંની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.