વાંકાનેર: વાંકાનેરના રાતાવિરડા નજીક એક 25 વર્ષીય ગર્ભવતી મહિલા ગીતાબેન બ્રિજેશભાઈની એમ્બ્યુલન્સમાં સફળ નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. ગીતાબેન, જેઓ મૂળ મધ્યપ્રદેશના વતની છે અને હાલ કેપટાઈલ કંપની, રાતાવીરડા ખાતે રહે છે, તેમને પ્રસવપીડા ઉપડતા સાંજે 6:48 કલાકે 108 એમ્બ્યુલન્સનો સંપર્ક કરવામાં આવ્યો હતો. વાંકાનેર જકાત નાકા ખાતેથી 108 એમ્બ્યુલન્સ તાત્કાલિક ત્યાં જવા રવાના થઈ હતી. EMT હિતેશ ઝાપડા અને પાયલટ રવીભાઈ દેવમૂરારીની ટીમે ઘટનાસ્થળે પહોંચી હતી. ERCP ડોક્ટર શાહના માર્ગદર્શન હેઠળ એમ્બ્યુલન્સમાં જ ગીતાબેનની સફળતાપૂર્વક નોર્મલ ડિલિવરી કરાવવામાં આવી હતી. પ્રાથમિક સારવાર બાદ, માતા અને બાળકને વધુ સંભાળ અને તપાસ માટે વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.