દારૂનો જથ્થો આપવા આવનાર એક્ટિવા ચાલક નાસી ગયો, મોકલનાર મહિલાનું નામ ખુલ્યુંમોરબી : મોરબી શહેરના સાયન્ટિફિક રોડ ઉપરથી પોલીસે બાતમીને આધારે દેશી દારૂની ધંધાર્થી મહિલાને 120 લીટર દેશી દારૂ સાથે રંગે હાથ ઝડપી લીધી હતી. જો કે, એક્ટિવા ઉપર દારૂ આપવા આવેલ શખ્સ નાસી ગયો હતો અને દેશી દારૂ મોકલનાર મહિલાનું નામ પણ સામે આવતા પોલીસે 74 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસે બાતમીને આધારે સાયન્ટિફિક રોડ ઉપર વોચ ગોઠવી મનીષાબેન સુરેશભાઈ થરેસા નામની મહિલાને દેશી દારૂના 120 લીટર જથ્થા સાથે ઝડપી લીધી હતી. દેશી દારૂની ડિલેવરી સમયે જ પોલીસ ત્રાટકતા દારૂ આપવા આવેલ એક્ટિવા ચાલક એકટીવા રેઢું મૂકી નાસી જતા પોલીસે 50 હજારનું એક્ટિવા અને 24 હજારનો દેશી દારૂ સહિત 74 હજારનો મુદ્દામાલ કબજે કરી મનીષાની પૂછતાછ કરતા દેશી દારૂનો આ જથ્થો ત્રાજપરની આશા ગોલીભાઈ કોળીએ મોકલ્યાનું કબુલતા કુલ ત્રણ આરોપીઓ વિરુદ્ધ પોલીસે પ્રોહીબિશન એકટ અન્વયે કાર્યવાહી કરી હતી.