અસરકારક પ્રિ-મોન્સૂન કામગીરી : ચાર વર્ષના અંતે વરસાદી પાણી નિકાલની સમસ્યા દૂર થશે ટંકારા : ચોમાસુ હવે નજીકના સમયમાં છે ત્યારે ટંકારા તાલુકા પંચાયત દ્વારા ચાર વર્ષથી વરસાદી પાણીના નિકાલ વચ્ચે અવરોધ બનેલા બાવળ-ઝાંડી-ઝાંખરાને પ્રિ-મોન્સૂન કામગીરી અંતર્ગત દુર કરવાની કામગીરી ચાલુ કરવામાં આવતા લોકોમાં રાહતની લાગણી જોવા મળી છે. ચોમાસા દરમિયાન ટંકારા તાલુકા પંચાયત, પુરવઠા ગોડાઉન, ફોરેસ્ટ કચેરી સહિત અનેક કારખાના, દુકાનો અને બોધ મંદિર પાણી નિકાલના અભાવે બોટમાં ફેરવાઈ જતા હતા. બે વર્ષ પહેલા સામાજિક કાર્યકર દ્વારા રાજ્યપાલને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ તંત્રએ એક બીજાને ખો આપી હતી. અને અંતે તાલુકા પંચાયતે એની ગ્રાન્ટ ફાળવી વોકળાની સફાઈની કામગીરી શરુ કરી હતી. કામગીરી નિરીક્ષણ માટે આજે તાલુકા વિકાસ અધિકારી નાગાજણ તરખાલા, ઈજનેર સ્ટાફ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટંકારામાં લતીપર ચોકડી નજીક આવેલા શોપ, ફેકટરી, રહેણાંક મકાન, રસ્તા અને ખાસ કરીને સરકારી કચેરીમાં વરસાદી પાણી ભરાય જતું હતું. છેલ્લા ચાર વર્ષથી જબલપુરથી લખધીરગઢ વાયા કલ્યાણપરના વરસાદી નિકાલના વોકળા એ ઝાડી-ઝાંખરા અને બાવળના કારણે જંગલ જેવુ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. દર વર્ષે અહીં માનવજીવનનુ રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડતી હોય છે. ગયા વર્ષે ચોમાસામાં સાતથી વધુ પુરવઠા ગોડાઉનના મજદુરો ફસાયા હતા. તો ફોરેસ્ટ વિભાગ અને તાલુકા પંચાયત રીતસર બેટ બની ગઈ હતી. બોધ મંદીર નજીક રહેતા વિચરતી જાતિના લોકોની પણ ત્રણ વર્ષથી ઘરવખરી પાણીમા વહી જતી હતી. આ અંગે ટંકારા સામાજિક કાર્યકર હેમંત ચાવડાએ ગુજરાતના મહામહીમને રજુઆત કર્યા બાદના બે વર્ષ તો વહીવટી તંત્ર દ્વારા કોની જવાબદારીમાં આ કામ આવે એ જાણવા કાઢી નાખ્યા બાદ હાલમાં ટંકારા તાલુકા પંચાયતના હસ્તે પ્રિ મોન્સૂન કામગીરી અંતર્ગત વોકળાની સફાઈ કરાતા આ વર્ષે વરસાદી આફત વેળાએ હેરાનગતિ ઓછી થશે એ નિશ્ચિત થયુ છે.