ઘણા દિવસથી પાણીનું એક ટીપું પણ ન મળ્યું હોવાના રોષ સાથે પંચવટી સોસાયટીના રહીશનો અનોખો વિરોધ મોરબી : પાણી એ જીવન જરૂરિયાતની વસ્તુ છે. જો પાણી જ ન મળે ભારે હાલાકી વેઠવી પડે છે. આવી હાલાકી હાલ પંચવટી સોસાયટીમાં રહેતા એક પરિવારને થઈ રહી છે. જેના વિરોધમાં તેઓએ ભો-ટાકામાં બેસીને જળનો ત્યાગ કર્યો છે. મોરબીમાં કન્યા છાત્રાલય પાછળ આવેલ પંચવટી સોસાયટી -2ના રહીશ ચેતનભાઈ મનસુખભાઈ ભીલાએ આ મામલે જણાવ્યું કે તેમના ઘરને છેલ્લા 13 દિવસથી પાણીનું ટીપું પણ મળ્યું નથી. પાણી વગર અમારે કરવું શું ? આ મામલે મ્યુનિસિપલ કમિશનરને ત્રણ વખત રજુઆત કરી છે. ઉપરાંત કલેકટરને પણ રજુઆત કરી છે. છતા કોઈ પરિણામ મળ્યું નથી. તેઓએ વધુમાં ઉમેર્યું કે મહાપાલિકાના માણસો આવે છે. ખોટા રિપોર્ટ ઉપર આપે છે. પણ અહીં કઈ કામ થયું હોતું નથી. જ્યાં સુધી પાણી નહિ આવે ત્યાં સુધી હું ભો ટાકામાં જ રહીશ અને જળનો ત્યાગ યથાવત રાખીશ. વધુમાં આ મામલે પંચવટી સોસાયટીના સ્થાનિકોએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી અહીં પાણીનો પ્રશ્ન છે. ક્યારેક આવે ક્યારેક પાણી ન આવે. ઘણી વખત અમુક ઘરમાં પાણી ન આવે એવું બને છે. અહીંના લોકો રેગ્યુલર પાણી વેરો ભરે છે છતાં પણ નિયમિત પાણીની સુવિધાથી વંચિત છે. જેથી મહાપાલિકા દ્વારા તુરંત આ મામલે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.