મોરબી તાલુકા સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર અપાયું મોરબી : મોરબીમાં રાસાયણીક ખાતરનો ભાવવધારો પાછો ખેંચવા અથવા ભાવવધારા જેટલી સબસીડી વધારવા બાબતે મોરબી તાલુકા સરપંચ એસોસિએશનના પ્રમુખ પ્રફુલભાઇ હોથી દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધી જિલ્લા કલેક્ટર જે. બી. પટેલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. આ લેખિત રજુઆતમાં જણાવાયું છે કે તાજેતરમાં ખાતર ઉત્પાદન કરતી કંપનીઓએ ખાતરનો તોતીંગ ભાવ વધારો કરેલ છે. જે અત્યારની કાળજાળ મોંઘવારીમાં ખેડુતોની કમ્મર તોડી નાખે તેવો તોતીંગ ભાવ વધારો છે. તો સરકાર ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ સાથે વાટાઘાટ (પરાર્મશ) કરીને રાસાયણીક ખાતરનો ભાવ વધારો પાછો ખેંચે તેવી વ્યવસ્થા કરે અને જો રાસાયણીક ખાતર ઉત્પાદન કરતી કંપનીઓ ભાવવધારો પાછો ન ખેંચી શકે તેમ હોય તો સરકાર ખાતરના ભાવ વધારા જેટલી સબસીડી ખેડુતોને આપે. કારણ કે અત્યારે ડિઝલના ભાવ પણ આસમાને આંબે એટલા ઉંચા છે. આ કાળજાળ મોંઘવારીમાં ખેડુતો ખેતી કરી શકે તેમ ન હોય, ખાતરનો ભાવ વધારો પાછો ખેંચાવી અથવા સબસીડી આપવાની સરકાર વ્યવસ્થા કરે એવી અમારી મોરબી તાલુકાના સરપંચ એસોસીયેશનની માંગણી છે. જો ઉપરોકત બાબતે 10 દિવસમાં યોગ્ય નિર્ણય લેવામાં નહી આવે તો કોરોનાની ગાઈડલાઈન મુજબ મોરબી તાલુકા સરપંચ એસોસીયેશન તથા મોરબી તાલુકાના ખેડુતો ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન કરશે. તેમ આવેદનપત્રમાં જણાવાયું છે.