જિલ્લા પંચાયત હવે બોર્ડ લાગતા લોકોને જે તે વિભાગમાં જવામાં સરળતા રહેશે મોરબી : મોરબીના સામાંકાંઠે શોભેશ્વર રોડ ઉપર સોઓરડી નજીક કોરોડોના ખર્ચે બનેલ અદ્યતન જિલ્લા પંચાયત કચેરીમાં અંતે વિવિધ શાખાઓના દિશા સૂચક બોર્ડ લગાવવામાં આવ્યા છે. દોઢ વર્ષ સુધી અરજદારોને દર-દરની ઠોકર ખવડાવ્યા બાદ અંતે જિલ્લા પંચાયતના કર્તાહર્તાઓને ડહાપણ દાઢ ફૂટતા કઈ શાખા ક્યાં બેસે છે તે અંગેની જાણકારીના પાટિયા ઝૂલવા લાગ્યા છે. મોરબી જિલ્લા પંચાયતમાં ભોંયતળિયા સહિત બે માળની આ વિશાળ કચેરીમાં કયો વિભાગ કઈ જગ્યા આવેલો અને ક્યાં અધિકારીની ક્યાં ચેમ્બર છે તેની સંપૂર્ણ વિગતવાર માહિતી સાથે બોર્ડ લગાવવામાં આવ્યા છે. જો કે અગાઉ અરજદારો પોતાના કામ માટે આ વિશાળ કચેરીમાં દર દર ભટકવું પડતું હતું. કયો વિભાગ ક્યાં આવેલો હોય એની કોઈ જાણકારી જ ન હોવાથી લોકોને જે તે વિભાગના પોતાના કામ માટે ખાસ્સો સમય દોડા-દોડી બાદ માંડ માંડ પોતાના કામની જગ્યાનું સરનામું મળતું. પણ દોઢ વર્ષ બાદ દેર આયે દુરસ્ત આયેની જેમ તંત્રએ અરજદારોને પોતાના વિભાગ શોધવાની કડાકૂટમાંથી મુક્તિ આપી છે.