ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવાયો : કપાસ, મગફળી અને સોયાબીન સહિતના પાકને ભારે અસર : સરકાર સર્વે કરાવી વળતર આપીને ખેડૂતોને મોટા નુકસાનથી બચાવે તેવી માંગમોરબી : મોરબી જિલ્લામાં આજે પડેલા માવઠાએ જગતાતની મહેનત ઉપર પાણી ફેરવી દીધું છે. મોટાભાગના ખેડૂતોનો શિયાળુ પાક તૈયાર જ થઈ ગયો હતો. તેવામાં ગ્રામ્ય વિસ્તારોમાં આ માવઠાએ નુકસાન સર્જીને ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. ત્યારે સરકાર સર્વે કરાવી વળતર આપીને ખેડૂતોને મોટી નુક્સાનીમાંથી બચાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે. મોરબીના રાજપર ગામના ખેડૂત વિજયભાઈ કોટડીયાએ જણાવ્યું હતું કે તેઓએ મગફળી વાવી હતી. અત્યારે મગફળી કાઢવાનો સમય હતો. પણ માવઠું આવતા નુકસાની સહન કરવાનો વારો આવ્યો છે. મગફળીમાં પોપટા હતા તે પડી ગયા છે. જેને હવે માટીમાં ચોંટી જવાના કારણે વીણી શકાય નહીં. ભૂકો પણ કાળો પડી જશે. આ ઉપરાંત ગામમાં અન્ય ખેડૂતોને પણ કપાસ અને સોયાબીનનો પાક તૈયાર થઈ ગયો હતો. તેઓને પણ નુકસાન થયું છે.માળિયા તાલુકાના સુલતાનપુરના ખેડૂત ભાવેશભાઈ વિડજાએ જણાવ્યું કે તેઓએ કપાસ, એરંડા અને સોયાબીનનું વાવેતર કર્યું હતું. 10 દિવસ પહેલા કેનાલમાંથી પાણી ન આવ્યું તે સમસ્યા હતી. તેવામાં હવે માવઠું આવ્યું. કપાસ તો વિણવાનો હતો. ત્યાં માવઠું નુકસાન કરી ગયું. કપાસ જે ફૂટી ગયો તેમાં હવા રહી જશે અને પીળો પડી જશે. ડોડવા હોય તે ગોગળા એટલે કે સડી જશે. સોયાબીન વાઢીને પાથરા રાખ્યા હતા. તે પણ હવે સડી જશે. એરંડામાં ખાસ વાંધો આવ્યો નથી.માળિયા તાલુકાના સરવડ ગામના સરપંચ નવનીતભાઈ સરડવાએ જણાવ્યું કે તેઓના ગામમાં ધોધમાર માવઠું વરસ્યું છે. કપાસ વીણવાનું ચાલુ જ હતું. મગફળીના પાથરા પડ્યા હતા. પણ આ ન મોટાભાગના ખેડૂતોને નુકસાની છે. મોરબી તાલુકાના કાંતિપૂર ગામના ખેડૂત વાસુદેવભાઈ ક્લોલાએ જણાવ્યું કે તેઓના ગામમાં અંદાજે 3 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. જે સાંજ સુધી અવિરત ચાલુ જ છે. મગફળીના પાથરા તણાઈ ગયા છે. કપાસમાં 90 ટકા જેવી નુકસાની છે. હવે જે થોડો ઘણો પાક વધ્યો હશે તે પણ મફતના ભાવે જશે. સરકાર મોરબી જિલ્લાના ખેડૂતોને થયેલી નુક્સાનીનો સર્વે કરાવી વળતર અપાવે તો ખેડૂતોને આ નુક્સાનીમાંથી થોડી રાહત મળશે. માળિયા મિયાણા તાલુકાના મોટા દહીંસરા ગામના જેસાભાઈ ડાંગરે જણાવ્યું કે તેમના ગામમાં મોડી સાંજ સુધી વરસાદ ચાલુ જ છે. મગફળીના પાથરાને મોટા પ્રમાણમાં નુકસાની છે. કપાસનો ફાલ પણ ખરી જવા ઉપર છે.