ટંકારા : ભારતીય સંસ્કૃતિમાં હોળીના તહેવારનું અનેરું ધાર્મિક અને જ્યોતિષીય મહત્વ રહેલું છે. ખાસ કરીને ખેડૂત મિત્રો અને ગ્રામ્ય વિસ્તારોમાં હુતાસણી (હોળી) પ્રગટાવતી વખતે પવન કઈ દિશામાં વાય છે, તેના પરથી આખા વર્ષના વરતારા એટલે કે 'વાયુ પરીક્ષા' જોવાની પ્રાચીન પરંપરા છે. આગામી તારીખ ૨ માર્ચના રોજ હોળિકા દહન થવા જઈ રહ્યું છે, ત્યારે પવનની દિશા કઈ તરફ રહેશે તે જોવું સૌ કોઈ માટે રસપ્રદ બની રહેશે. તો આ માટે ટંકારાના હવામાન નિષ્ણાત કિશોરભાઈ ભાડજાએ જરૂરી માહિતી પૂરી પાડી છે.શું છે ગ્રહ દશા અને મુહૂર્ત? જ્યોતિષીય ગણતરી મુજબ, વિક્રમ સંવત ૨૦૮૨ ના ફાગણ મહિનાની સુદ ચૌદશ તારીખ ૨ માર્ચ, સોમવારના રોજ સાંજે ૧૭:૫૭ (૫:૫૭) મિનિટ સુધી રહેશે. ૫:૫૭ મિનિટ પછી પૂનમની શરૂઆત થશે. આ સમયે ચંદ્ર મઘા નક્ષત્રમાં બિરાજમાન હશે. પૂનમ બેઠા બાદ સાંજે હોળી પ્રગટાવવામાં આવશે.શું છે વાયુ પરીક્ષાની માન્યતા? પરંપરાગત માન્યતા અનુસાર, હુતાસણીની સાંજે હોળી પ્રગટાવતી વખતે અગ્નિની જાળ (શિખા) અને પવન કઈ દિશામાંથી વાય છે તે જોઈને આવનારા વર્ષમાં વરસાદ કેવો રહેશે અને ખેતીનું ઉત્પાદન કેવું થશે તેનું અનુમાન લગાવવામાં આવે છે.જાણીતા લોક-માન્યતાના આધારે કિશોરભાઈ ભાડજા દ્વારા દર્શાવ્યા મુજબ પવનની ૮ મુખ્ય અને પેટા દિશાઓ પરથી વર્ષ કેવું જશે તેનો વર્તારો નીચે મુજબ છે.• ઉત્તર દિશા: જો હોળી પ્રગટાવતી વખતે પવન ઉત્તર દિશા તરફ વાતો હોય તો ખેત ઉત્પાદન સારું થાય છે.• ઈશાન દિશા (ઉત્તર-પૂર્વ): આ દિશાનો પવન ખેડૂતો માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. તે 'સોળ આની વર્ષ' એટલે કે સંપૂર્ણ સમૃદ્ધ વર્ષની ચાડી ખાય છે.• પૂર્વ દિશા: આ પવન 'બાર આની વર્ષ' અર્થાત એકંદરે ખૂબ સારું વર્ષ રહેવાનો સંકેત આપે છે.• અગ્નિ દિશા (દક્ષિણ-પૂર્વ): આ દિશાનો પવન હોય તો તડકા વધુ પડે અને વરસાદ અનિયમિત રહેવાની શક્યતા છે.• દક્ષિણ દિશા: જો પવન દક્ષિણ દિશાનો હોય તો પશુઓના ઘાસચારા કે માલની અછત સર્જાઈ શકે છે.• નૈઋત્ય દિશા (દક્ષિણ-પશ્ચિમ): આ પવન રોગ અને જીવાતનો ઉપદ્રવ વધવાનો સંકેત આપે છે.• પશ્ચિમ દિશા: આ પવન 'આઠ આની વર્ષ' એટલે કે મધ્યમ (સાધારણ) વર્ષનો સંકેત આપે છે.• વાયવ્ય દિશા (ઉત્તર-પશ્ચિમ): આ દિશાનો પવન સૂચવે છે કે આગામી ચોમાસામાં તોફાની પવન સાથે વરસાદ આવી શકે છે.હોળી પ્રગટ્યા પછી પવનની ગતિ અને જાળ જે દિશામાં ઢળે તે જોવાની ખેડૂતોમાં ભારે ઉત્સુકતા હોય છે. ત્યારે જોવું એ રહ્યું કે ૨ માર્ચના રોજ પવનદેવ ખેડૂતો અને આમ જનતા માટે કેવા સમાચાર લઈને આવે છે.