નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સરકારે જવાબ રજૂ કર્યો : 50 જેટલી બહુમંજીલા ઇમારતોના ભાવિ સામે પ્રશ્નાર્થ મોરબી : મોરબીમાં જીડીસીઆરના તમામ નીતિ નિયમો નેવે મૂકી બિલ્ડરો ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે ત્યારે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજી બાદ મોરબીના રવાપરમાં 12 - 12 માળના બિલ્ડિંગમાં આલીશાન ફ્લેટ ખરીદનારા લોકોને હવે પસ્તાવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી દરમિયાન સરકારે તમામ 50 જેટલા બિલ્ડિંગની મંજૂરી રદ્દ કરી હોવાનો જવાબ રજૂ કર્યો હોવાનું જાણવા મળે છે. મોરબી શહેરમાં ઠેક ઠેકાણે જીડીસીઆરના નિયમો નેવે મૂકી ગેરકાયદે બાંધકામ થઈ રહ્યા છે છતાં પણ નગરપાલિકા મૌન ધારણ કરીને બેઠી છે ત્યારે મોરબીનો અડોઅડ આવેલ રવાપરમાં ગ્રામ પંચાયત દ્વારા જી - 5 ભૂકંપ પ્રભાવિત મોરબીમાં મનફાવે તેમ આડેધડ 10થી 12 માળ કે તેથી પણ વધુ ઊંચી બિલ્ડીંગ બાંધવા મંજૂરી આપવામાં આવતી હોય નામદાર ગુજરાત હાઇકોર્ટમાં આવા ગેગકાયદે બિલ્ડીંગ મામલે જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવતા નામદાર કોર્ટ દ્વારા સરકાર, કલેકટર અને સરપંચને નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો હતો. બીજી તરફ આજે નામદાર ગુજરાત હાઇકોર્ટમાં સરકાર દ્વારા જવાબ રજૂ કરી રવાપર ગ્રામ પંચાયત હેઠળના વિસ્તારમાં ગેરકાયદેસર ખડકાયેલા 50 જેટલી બિલ્ડિંગની મંજૂરી રદ્દ કરવામાં આવી હોવાનું જણાવ્યું હોવાનું જાણવા મળે છે. દરમિયાન રવાપર ગામના તલાટી કમ મંત્રીનો આ મામલે સંપર્ક કરતા તેમને જણાવ્યું હતું કે, રવાપર વિસ્તારમાં12 માળની આઠથી દસ બિલ્ડીંગ આવેલી છે જ્યારે 8થી 10 માળના અનેક બિલ્ડીંગ આવેલા છે અને આગામી તા.27ના રોજ આ મામલે વધુ સુનાવણી હાથ ધરવામાં આવનાર હોવાનું તેમજ ગ્રામ પંચાયત દ્વારા તમામ જાણકારી વિકાસ કમિશનરને આપી દેવામાં આવી હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબી પાલિકા પાસે આગની ઘટના બને તો માંડ 3થી 4 માળ સુધી પહોંચી શકાય તેવા જ ફાયર ફાયટરો ઉપલબ્ધ છે ત્યારે ભૂકંપ પ્રભાવિત મોરબીમાં 12 માળ કે તેથી પણ ઊંચી બિલ્ડીંગો ખતરા રૂપ હોવાનું સ્પષ્ટ છે ત્યારે નામદાર હાઇકોર્ટમાં સરકારે 50 જેટલી બિલ્ડિંગની મંજૂરી રદ કરી છે ત્યારે હવે આ બિલ્ડીંગનો કડુસલો બોલાવશે કે કેમ ? આવા બિલ્ડિંગની મંજૂરી આપનાર રવાપર ગ્રામ પંચાયતના સરપંચ વિરુદ્ધ પગલાં લેવાશે કે કેમ ? સાથે જ લોકોને આવા ગેરકાયદેસર ફ્લેટ બનાવી વેચનાર બિલ્ડરો સામે પગલા લેવાશે કે કેમ ? તે સહિતના અનેક અણિયારા સવાલો હાલમાં ઉઠી રહ્યા છે.