શ્રમિક દંપતિ બાળકો સાથે બાઈક ઉપર જતા હતા ત્યારે કરૂણ અકસ્માત સર્જાયો : ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી મોરબી : મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર નજીક પરિવાર સાથે જઈ રહેલ શ્રમિક પરિવારને બેફામ ઝડપે રોંગ સાઈડમાં ઘસી આવેલા બાઈક ચાલકે હડફેટે લેતા પતિની નજર સામે જ પત્નીનું મૃત્યુ નિપજતા ચાર બાળકોએ માતાની છત્રછાયા ગુમાવી છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબી વાંકાનેર હાઇવે ઉપર લાલપર ગામ નજીક સાળાને મળી પરત ફરી રહેલા મુળ મધ્યપ્રદેશના વતની આદિવાસી શ્રમિક નાનસીંગભાઇ ધનજીભાઇ ડામોરના બાઇકને રોંગ સાઈડમાં ધસી આવેલા બાઈકે હડફેટે લેતા તેમના પત્ની નાથીબેનને હેમરેજ થતા મૃત્યુ નીપજ્યું હતું જ્યારે ફરિયાદી નાનસિંગને માથામાં ઇજાઓ પહોંચતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.નાથીબેનનું અકસ્માતમાં મૃત્યુ નિપજતા તેમના ચાર સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે. અકસ્માતના આ બનાવ અંગે નાનસીંગભાઇ ધનજીભાઇ ડામોરે બાઈક નંબર જીજે-૩૬-એમ-૨૦૨૩ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ ૨૭૯,૩૩૭,૩૩૮,૩૦૪(અ) તથા એમ.વી.એકટ કલમ-૧૭૭,૧૮૪ મુજબ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.