મોરબી : મોરબીના સામાકાંઠે ભક્તિ ચેમ્બરમાં આવેલી ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ગઈકાલે મારી પાર્ટીઓને ફોન કરીને કેમ તેની ગાડીઓ ભરી દો છો તેમ કહી એક ટ્રાન્સપોર્ટરે બીજા ટ્રાન્સપોર્ટ પર છરીથી હુમલો કર્યો હતો. આ બનાવ અંગે ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે આરોપી ટ્રાન્સપોર્ટર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર મોરબીના સામાકાંઠે લક્ષમીનારાયણ સોસાયટી પાસે આવેલ ઓમ રેસિડન્સીના પહેલા માળે બ્લોક નંબર 102માં રહેતા અને ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા ભીખુભાઇ છોટાલાલ ઠક્કર ઉ.વ.63 નામના ટ્રાન્સપોર્ટરે મોરબીના ટિબડી ગામ પાસે સાઈકૃપા ટ્રાન્સપોર્ટ ધરાવતા અબ્બાસભાઈ મોવર સામે બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે, ફરિયાદી ગઈકાલે તેમની સામાકાંઠે સ્ટાઈલ સીરામીકની બાજુમાં ભક્તિ ચેમ્બરમાં આવેલ અમર જ્યોતિ ટ્રાન્સપોર્ટની ઓફિસે હતા. તે સમયે આરોપી ટ્રાન્સપોર્ટર તેમની ઓફિસે આવ્યો હતો અને ફરિયાદીને મારી પાર્ટીઓને ફોન કરીને તેમની ગાડીઓ કેમ ભરી દો છો તેમ કહીને આરોપીએ ગાળો આપી બોલાચાલી કરીને તેમના પર છરીથી હુમલો કરીને ઇજા કરી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની ફરિયાદ નોંધાતા બી ડિવિઝન પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.