બાળકોના ભાવિ પ્રત્યેની આ બેદરકારી કેમ કોઈ નેતાને ધ્યાને નથી આવતી ? હળવદ : તાજેતરમાં જ શાળા પ્રવેશ ઉત્સવ થકી રાજકીય નેતાઓએ વાહ વાહી મેળવી પરંતુ જમીની પરની વાસ્તવિકતા કંઈક અલગ છે. હળવદ પંથકમાં કેટલી એવી શાળાઓ છે કે જ્યાં શિક્ષકોની ઘટ છે,શાળાના ઓરડા પૂરતા નથી અને કેટલાક તો જર્જરી જ છે.અનેક સમસ્યાઓ વચ્ચે બાલ વાટિકા થી માંડી ધોરણ આઠ સુધીમાં 24 હજારથી વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કુલ 117 પ્રાથમિક શાળાઓ આવેલી છે.અહીં દરરોજ 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.તાલુકામાં કુલ શિક્ષકોનું મહેકમ 872નું છે.જેની સામે 776 શિક્ષકો ફરજ બજાવે છે મતલબ કે 96 શિક્ષકોની તો બાલ વાટીકા થી માંડી ધોરણ પાંચ સુધીમાં જ ઘટ છે.જ્યારે ધોરણ છ થી ધોરણ આઠ સુધીમાં ભાષા એટલે કે ગુજરાતી, ઇંગ્લિશ, હિન્દી, સંસ્કૃતમાં નવ શિક્ષકોની ઘટ છે. જ્યારે સામાજિક વિજ્ઞાનમાં 12 શિક્ષકોની ઘટ છે.તાલુકાની કુલ 33 શાળાઓમાં પૂરતા શિક્ષકો નથી.જ્યારે પ્રવેશ ઉત્સવ થકી નેતાઓ સ્ટેજ પર રાજ્ય અને કેન્દ્ર સરકારના ગુણગાન ગાય શિક્ષણ વ્યવસ્થાની વાહ વાહી કરતા હતા જોકે તાલુકાની 34 શાળાઓ એવી છે કે પુરતાં ઓરડાના ન હોવાથી બે પાળીમાં ચલાવવામાં આવે છે,જ્યારે ખુદ સુરેન્દ્રનગરના સાંસદના ગામમાં જ એક જ રૂમમાં બે-બે ત્રણ-ત્રણ ધોરણના વિદ્યાર્થીઓને બેસાડવામાં આવે છે. હળવદ પંથકની કુલ 20 શાળાઓના ઓરડા જર્જરીત છે. જેમાં 68 ઓરડાનો સમાવેશ થાય છે.તો બીજી તરફ શહેરમાં આવેલ શાળા નંબર-બે ની પાસે તો એનું પોતાનું બિલ્ડીંગ પણ નથી. ઓછામાં પૂરું 34 જ્ઞાન સહાયકો ફરજ બજાવતા હતા પરંતુ તેઓ પણ 11 મહિનાના કરાર આધારિત હોય જેમાં 28 ને છુટા કરી દેવાયા છે.બીજી તરફ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સરકારી શાળાઓની હાલત દૈન્ય છે તેમ છતાં પણ રાજનેતાઓના પેટનું પાણી નથી હલી રહ્યું. જાગૃત લોકો કહી રહ્યા છે કે સરકારી શાળાઓમાં પૂરતા ઓરડા અને પૂરતા શિક્ષકોની વ્યવસ્થા કરવામાં આવે જેથી ગરીબ મધ્યમ પરિવારના બાળકો પણ સારું શિક્ષણ મેળવી શકે અને ખોટા દેણા કરી લોકો પ્રાઇવેટ સ્કૂલમાં બાળકોને ન મૂકે.