મોરબી: મોરબી જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા વિજ બિલની બાકી રકમ વસૂલવા માટે 'તવાઈ' બોલાવવામાં આવી રહી છે. આ મામલે સામાન્ય જનતા અને સરકારી કચેરીઓ વચ્ચે થતા ભેદભાવ મુદ્દે પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય, ખેડૂત નેતા અને મોરબી જિલ્લા કોંગ્રેસ આગેવાન મહેશ રાજકોટીયાએ મોરબી પીજીવીસીએલના અધિક્ષક ઈજનેરને આવેદનપત્ર પાઠવી વિરોધ નોંધાવ્યો છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે, સામાન્ય ખેડૂતો અને મધ્યમ વર્ગના પરિવારો જો થોડું પણ બિલ ભરવામાં મોડા પડે, તો કોઈ પણ માનવતા રાખ્યા વગર તાત્કાલિક ધોરણે તેમના કનેક્શન કાપી નાખવામાં આવે છે. પરંતુ બીજી તરફ ચોંકાવનારી હકીકત એ છે કે મોરબી જિલ્લાની અનેક નગરપાલિકાઓ અને સરકારી કચેરીઓના લાખો-કરોડો રૂપિયાના બિલ બાકી હોવા છતાં પીજીવીસીએલ નમ્ર વલણ દાખવી રહી છે. સરકાર પર પ્રહાર કરતા તેમણે જણાવ્યું છે કે સરકાર એક તરફ વિકાસ અને ડિજિટલ ઈન્ડિયાની વાતો કરે છે, તો બીજી તરફ પોતાની જ કચેરીઓના વિજ બિલ ભરવામાં નિષ્ફળ સાબિત થઈ રહી છે. એક તરફ સામાન્ય માણસ આર્થિક સંકડામણ અનુભવે છે ત્યારે તેના પર દબાણ કરવામાં આવે છે, જ્યારે સરકારી તંત્ર મનસ્વી રીતે વર્તે છે જે દર્શાવે છે કે સરકારના 'ચાવવાના અને દેખાડવાના દાંત જુદા છે'. આ મુદ્દે રજૂ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ:- નગરપાલિકા અને સરકારી કચેરીઓના બાકી લેણાંની વિગતો જાહેર કરવામાં આવે. - જો તેઓ બિલ ન ભરે, તો સામાન્ય જનતાની જેમ જ તેમના પણ કનેક્શન કાપવાની હિંમત બતાવવામાં આવે. - સામાન્ય ગ્રાહકોને બિલ ભરવા માટે વ્યાજ માફી અથવા હપ્તાની સગવડ આપવામાં આવે. - જો આગામી દિવસોમાં આ ભેદભાવભરી નીતિ બંધ કરવામાં નહીં આવે, તો કોંગ્રેસ સમિતિ અને જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં આવશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. #Morbi #MorbiUpdate #PGVCL #MorbiNews #GujaratNews #ElectricityBill #Congress #FarmersIssue