ચાર આરોપીઓએ બેફામ માર મારી પોલીસ ફરિયાદ કરવા જઈશ તો જાનથી મારી નાંખશું તેવી ધમકી આપીટંકારા : ટંકારા શહેરમાં કલ્યાણપર રોડ પર રહેતા અને છૂટક મજૂરી કામ કરતા યુવકને ખીજડિયા ચોકડીથી અમરાપર રોડ પર આંતરી ચાર શખ્સોએ અમારી બાતમી પોલીસને કેમ આપે છે ? કહી લાકડી અને લોખંડના પાઇપ વડે બેફામ માર મારી રોડ પર પાડી દઈ હુમલો કરતા બનાવ અંગે ટંકારા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ ટંકારા શહેરમાં કલ્યાણપર રોડ પર રહેતા અને છૂટક મજૂરી કામ કરતા ફરિયાદી હાજીશા ઉર્ફે મુન્નો હુસેનશા સોહર્વદીએ આરોપી હબીબ ઇશાભાઈ અબ્રાણી, ઇમરાન હબીબભાઈ અબ્રાણી, આદમભાઈ ઇશાભાઈ અબ્રાણી અને આરોપી અવેશ આદમભાઈ અબ્રાણી રહે.ચારેય ટંકારા વાળાઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ગઈકાલે સવારે તેઓ પોતાનું બાઈક લઈ દીકરી સાથે મજૂરો લેવા જતા હતા ત્યારે ખીજડિયા અમરાપર રોડ પર ચારેય આરોપીઓએ તેમનું બાઈક આંતરી કહ્યું હતું કે, તું કેમ પોલીસને અમારી બાતમી આપે છે, બાદમાં લાકડી અને લોખંડના પાઈપ વડે માર મારી પિતા પુત્રીને રોડ પર પછાડી દઈ બેફામ માર માર્યો હતો.આરોપીઓએ બનાવ બાદ જો પોલીસ ફરિયાદ કરવા જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.ઘટના અંગે હાલ ટંકારા પોલીસે હાજીશાની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.