મોરબી : ચોમાસા અને વરસાદમાં આહલાદક વાતાવરણને લીધે આપણને તીખું / તળેલું / બહારનું ચટાકેદાર ખાવાની ઈચ્છા થાય છે. લોકો ગાંઠિયા, ભજીયા, વગેરેની મોજ માણતા હોઈએ છીએ. પરંતુ આજ ઋતુમાં પાણી જન્ય રોગ વધતા હોય છે. પાણી જન્ય રોગો એટલે દુષિત પાણી પીવાથી અથવા તેના વડે બનેલ ખોરાક લેવાથી થતા રોગ. દુષિત પાણીમાં વિવિધ પ્રકારની માઈક્રોઓર્ગેનિઝમ્સ, જેવી કે બેક્ટેરિયા, વાઇરસ, પ્રોટોઝુઆ હોય છે. જે શરીરમાં ગયા પછી વિવિધ રોગો કરી શકે છે. સામાન્ય રીતે જોવા મળતા રોગોમાં ટાઈફોઈડ, હિપેટાઈટિસ-એ (કમળો), હિપેટાઈટિસ-ઈ (કમળો), મરડો, જીઆર્ડીયા, કોલેરા વગેરે આવે છે. ટાઇફોઇડમાં બેક્ટેરિયા દૂષિત પાણી દ્વારા પ્રવેશ કરે છે અને આંતરડામાં સોજો કરે છે અને દર્દીને તાવ, પેટમાં દુખાવો, ઝાડા થાય છે. મરડો અને જીઆરડીયા પ્રોટોઝોઆ થી થતા રોગ છે. જેમાં મરડા માં વીંટ આવીને ઝાડા થાય છે અને ક્યારેક લોહી ના ઝાડા પણ થઇ શકે છે , જયારે જીઆરડીયા મા માત્ર ઝાડા થાય છે. હિપેટાઇટિસ-A અને E મા વાયરસ દુષિત પાણી દ્વારા આંતરડા મારફ્તે લીવર સુધી પહોંચે છે અને લીવર માં સોજો કરીને કમળો કરે છે. આ સિવાય પણ ઘણા વિવિધ પ્રકારના રોગાણુઓ હોય છે જે વધતા ઓછા અંશે પેટ-આંતરડા ને લગતા લક્ષણો કરે છે. ચોમાસામાં પાણીના સ્ત્રોતો કે પાણીની સપ્લાય ચેઈનમાં ઓવરફ્લો થતી ગટરો, પશું-પક્ષીના મળ વગેરેથી દુષિત થવાની સંભાવના રહેલી હોય છે, જેને કારણે આ હાનીકારક માઈક્રોઓર્ગેનિઝમ્સ પાણી સાથે ભળી જાય છે. તેમજ ભેજને લીધે વિવિધ ખોરાકમાં પણ આ રોગાણુઓની વૃદ્ધિ વધુ ઝડપથી થાય છે. આ રોગ થી બચવું કઈ રીતે? પાણી હંમેશા ઉકાળેલું જ પીવું જોઈએ. રૂટિન RO મશીન આ રોગાણુઓને દૂર કરી શકતા નથી તે ફક્ત પાણીના ક્ષાર ને દૂર કરે છે. તે માટે ઉકાળવું જરૂરી છે, અથવા UV ટેક્નોલોજીવાળું RO મશીન વાપરી શકાય. બહાર જવાનું થાય ત્યારે હંમેશાં બોટલનું Packaged water (પેકેજ્ડ પાણી) પાણી પીવું જોઈએ કે પછી પર્યાવરણ ની જાળવણી માટે પ્લાસ્ટિક નો ઉપયોગ ઘટાડવા ઘરેથી જ બોટલ ભરી જવી જોઈએ. ફળ - શાકભાજી સાફ પાણી વડે ધોઈને જ ઉપયોગમાં લેવા જોઈએ અથવા રાંધ્યા પછી જ ખાવા જોઈએ. કોઈ પણ ખોરાક ગરમ થાય ત્યારે તેમાં રહેલા રોગાણુઓ નાશ પામે છે. ચોખ્ખાઈ રાખવી જોઈએ. વારંવાર હાથ ધોવા જોઈએ, ખાસ કરીને જમ્યા પહેલા. આ જ સીઝનમાં વિવિધ મચ્છરથી થતા રોગો પણ ફેલાતા હોય છે. જેનાથી બચવા આખા કપડાં પહેરવા જોઈએ, મચ્છરની ક્રીમ લગાવી, મચ્છરદાની વાપરવી વગેરે ઉપાયો કરવા જોઈએ. લક્ષણો વિષે જાગૃતિ કેળવવી જોઈએ જેથી લક્ષણો સામાન્ય હોય ત્યાં જ ડોક્ટરને બતાવીને સમયસર નિદાન અને સારવાર કરાવવી જોઈએ. જેમ કે ઝાડા,ઊલટી, તાવ, પેટમાં ચૂક આવવી, કમળો (પીળો પેશાબ, પીળી આંખો) વગેરે. આ બધા રોગોના સામાન્ય લક્ષણો છે. ડો.રીશીકેશ કાલરીયા ગેસ્ટ્રોએન્ટરોલોજી રાજકોટ મો.નં:8879518870