મકનસર ગામનો બનાવ : બાળકને અવાવરું જગ્યાએ ફેંકી દેવાયું હતું, સ્થાનિક સેવાભાવી વ્યક્તિને મોડી રાત્રે અવાજ આવતા તેને તપાસ કરી તો બાળક મળી આવ્યુંમોરબી : રામ રાખે તેને કોણ ચાખે આ કહેવત ચરિતાર્થ કરતો બનાવ સામે આવ્યો છે. એક નિષ્ઠુર માતાએ બાળકને જન્મ આપી તેને અવાવરૂ જગ્યાએ ફેંકી દીધું હતું, જો કે એક સેવાભાવી વ્યક્તિ સુધી આ નવજાત શિશુનો સાદ પહોંચી જતા તેને તુરંત સારવારમાં ખસેડી દીધું હતું. હાલ આ બાળક હેમખેમ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મકનસર ગામે પ્રેમજીનગર વિસ્તારમાં કોઈ યુવતીએ બાળકને જન્મ આપ્યા બાદ તેને અવાવરું જગ્યાએ ત્યજી દીધું હતું. આ વિસ્તારમાં રહેતા જયેશભાઈ વેલજીભાઈ શેખવા મોડી રાત્રે પોતાના ગેરેજથી ઘરે આવ્યા હતા. ત્યારે તેઓ બાથરૂમમાં હાથ પગ ધોવા માટે ગયા હતા. આ વેળાએ દીવાલના પાછળના ભાગેથી બાળકનો અવાજ આવતો હતો. તેઓએ ત્યાં જઈને જોતા એક તાજું જન્મેલું બાળક જમીન ઉપર પડ્યું હતું. આસપાસ તપાસ કરતા તેના કોઈ વાલી વારસ ન મળતા તેઓએ 108 બોલાવી હતી અને પોલીસને જાણ કરી હતી. હાલ આ નવજાત શિશુ મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. બીજી તરફ તાલુકા પોલીસે પણ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.