કોર્પોરેશનના નવા અધૂરા મુકાયેલા બિલ્ડીંગનું કામ પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામગીરી : કોર્પોરેશનની નવી બોડી નવા બિલ્ડીંગમાં બેસશેમોરબી : નવરચિત મોરબી મહાનગર પાલિકાની ચૂંટણીમાં તમામ 52 બેઠક ભાજપના ખાતે આવ્યા બાદ હવે પ્રથમ મેયર નક્કી કરવા ભાજપની ટોચની નેતાગીરી વિચાર વિમર્શમાં કામે લાગી છે સંભવતઃ તા.10 મે સુધીમાં પ્રથમ મેયર નક્કી થઈ જશે.બીજી તરફ કોર્પોરેશનની વહીવટી પાંખ પણ નવી બોડીને બિરાજમાન કરવા અધૂરા છોડવામાં આવેલ બિલ્ડીંગની અધૂરી કામગીરી પૂર્ણ કરવા તડામાર તૈયારીમાં લાગી છે. હાલમાં યુદ્ધના ધોરણે વાયરિંગ, ટાઇલ્સ ફિટિંગ અને એલ્યુમનીયમ સેક્સન સહિતની કામગીરી દિવસ - રાત ચાલુ કરવામાં આવી છે.મોરબી નગરપાલિકા સમયથી કચેરીના પ્રાંગણમાં નવું બિલ્ડીંગ બનાવવાની કામગીરી ચાલુ કરવામાં આવ્યા બાદ અપશુકનિયાળ નવા બિલ્ડીંગનું કામ સાતથી આઠ વર્ષથી અધૂરું રહેતા કોર્પોરેશનનો દરજ્જો મળ્યા બાદ કમિશનર દ્વારા અધૂરું કામ પૂર્ણ કરવા 2.14 કરોડના ખર્ચે નવા કોન્ટ્રાક્ટરને કામ આપવામાં આવ્યું હતું.સાથે જ ગ્રાઉન્ડ પ્લસ ટુ બિલ્ડીંગમાં વધારાનો ત્રીજો માળ નિર્માણ માટે રૂ.1.93 કરોડનો ખર્ચ મંજુર કરવામાં આવતા હાલમાં બિલ્ડીંગ પૂર્ણતાના આરે છે. દરમિયાન આગામી તા.10 મે સુધીમાં નવા શાસકો કોર્પોરેશનમાં સતાના સૂત્રો સંભાળી લે તેવી શકયતા જોતા કોર્પોરેશનના વહીવટીતંત્ર દ્વારા હાલમાં યુદ્ધના ધોરણે નવા બિલ્ડીંગની કામગીરીને અગ્રતા આપી કોન્ટ્રાકટર પાસે દિવસ રાત કામગીરી કરવામાં આવી રહી છે.મહત્વનું છે કે, નવા બિલ્ડીંગમાં પ્રથમ માળ પર કોર્પોરેશનની વિવિધ શાખાઓ અને બીજા માળે ચૂંટાયેલી પાંખના હોદ્દેદારોની ચેમ્બરો રાખવામાં આવી છે.જ્યારે ત્રીજા માળે કોન્ફરન્સ હોલ અને મ્યુનિસિપલ કમિશનરની ઓફીસ રાખવામાં આવી છે.સંભવતઃ આગામી તા.10 મે સુધીમાં પ્રથમ મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન સહિતના વિવિધ કમિટીના ચેરમેન નક્કી કરવામાં આવશે અને નવા બિલ્ડીંગમાં જ પ્રથમ સાધારણ સભા યોજવામાં આવે તેવા સંકેત સૂત્રો તરફથી મળી રહ્યા છે.મહાનગર પાલિકાનું મુખ્ય કચેરી માટે રૂ.55 કરોડના ખર્ચે વધુ એક બિલ્ડીંગ બનશેમોરબી મહાનગર પાલિકા કચેરી હાલમાં ફૂલ ફલેન્જ કાર્યરત થઇ છે. જો કે, શહેરના વ્યવસ્થાપન માટે હયાત નગરપાલિકાનું બિલ્ડીંગ ટૂંકું પડતું હોવાથી જૂની કચેરીને નવા બિલ્ડિંગમાં શિફ્ટ કરી જૂનું બિલ્ડીંગના પાછળનો ભાગ તોડી પાડવામાં આવશે અને અહીં રૂ.55 કરોડના ખર્ચે કોર્પોરેશનની મેઈન બિલ્ડીંગ બનાવવામાં આવનાર હોવાનું કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું.