નવરાત્રી,ધનતેરસ, દિવાળી અને લાભપંચમીના શુભમુહૂર્તમાં ઢગલાબંધ ટુ વ્હીલ, ફોર વ્હીલની ખરીદી : બેઉં મહિનામાં 102 ઇલેક્ટ્રિક વાહનો પણ ખરીદી કરાયા મોરબી : તળિયા, નળીયા અને ઘડિયાળની નગરી મોરબીમાં હાલમાં તો મંદીના માહોલની વ્યાપક ચર્ચાઓ વચ્ચે પણ નવરાત્રીથી દીપાવલીના બે માસના સમયગાળામાં અધધધ કહી શકાય તેટલા 8625થી વધુ ટુ વ્હીલર, ફોર વ્હીલર વાહનોની સાથે ટ્રેકટર અને ટ્રક ઉપરાંત 400 જેટલા ટ્રક પ્રકારના ગૂડ્સ વાહનોનું વેચાણ થયા હોવાના સત્તાવાર આંકડા સામે આવ્યા છે, વાહનોના વેચાણ બાદ રજીસ્ટ્રેશન ફી પેટે મોરબી આરટીઓને પણ 16.84 કરોડથી વધુની આવક થવા પામી છે.કહેવાય છે કે સમગ્ર દેશમાં કોઈપણ લક્ઝુરિયસ વાહનનું નવું મોડેલ સીરામીક નગરી મોરબીમાં આવે છે.... બરાબર આ ઉક્તિને મોરબીના મોજીલા લોકો સાર્થક કરી રહ્યા છે. હાલમાં સીરામીક, ઘડિયાળ ઉદ્યોગમાં મંદીના માહોલ વચ્ચે પણ નવરાત્રીથી દીપાવલી અને ત્યારબાદના કુલ બે મહિનાના સમયગાળામાં મોરબી જિલ્લામાં 8625 જેટલા નવા વાહનોની ખરીદી સાથે નોંધણી કરવામાં આવી છે. અને નવા વાહનોની નોંધણીને કારણે મોરબી આરટીઓ કચેરીને 16.84 કરોડની આવક પણ થવા પામી છે.મોરબી આરટીઓ કચેરીના એઆરટીઓ રોહિત પ્રજાપતિના જણાવ્યા મુજબ મોરબી જિલ્લામાં નવરાત્રી એટલે કે તા.15/10/2023થી તા.13/12/2023ના સમયગાળા દરમિયાન મોરબી જિલ્લામાં જુદા-જુદા વાહન ડીલરોએ 5376 ટુ વ્હીલ, 1770 ફોર વ્હીલ, 449 રીક્ષા, 577 ટ્રેકટર, 391 ટ્રક પ્રકારના ગુડ્સ વાહનો, 102 ઇલેક્ટ્રિક વાહનો અને કન્ટ્રક્શન માટે ઉપયોગમાં લેવાતા 64 વાહનોની નોંધણી કરવામાં આવી છે જેની નોંધણી ફી પેટે આરટીઓ કચેરીને 16.84 કરોડની આવક થવા પામી છે.