2,16,420 હેક્ટર સાથે કપાસનું વાવેતર પ્રથમ ક્રમે, 56,515 હેકટર સાથઈ મગફળી બીજા ક્રમે https://youtu.be/08UtpA3YsmQ મોરબી : મોરબી જિલ્લામાં વાવાઝોડું બિપરજોય અભિશાપ નહીં પણ આશીર્વાદરૂપ સાબિત થયું છે, ગત વર્ષે મોરબી જિલ્લામાં જુલાઈની શરૂઆતમાં 65 ટકા વાવેતર પણ થયું ન હતું ત્યારે ઓણસાલ જિલ્લામાં 93 ટકાથી વધુ વાવણી પૂર્ણ થઈ છે અને ગતવર્ષમાં કપાસના ભાવ ઉંચા મળતા આ વર્ષે સૌથી વધુ એટલે કે 2.16 લાખ હેકટર જમીનમાં કપાસનું વાવેતર થયું છે જે મગફળીની તુલનાએ ચાર ગણું વધારે છે. મોરબી જિલ્લામાં ચાલુ વર્ષે સૌથી વધુ કપાસનું વાવેતર થયું છે જેમાં હળવદ તાલુકામાં 48,290, માળીયા તાલુકામાં 43,100, મોરબીમાં 64,580, ટંકારા તાલુકામાં 20,100 અને વાંકાનેર તાલુકામાં 40,350 હેકટર જમીન સહીત જિલ્લામાં કુલ 2,16,420 હેક્ટરમાં કપાસનું વાવેતર થયું છે, જયારે બીજા નંબરે મગફળીનું વાવેતર થયું છે.મોરબી જિલ્લામાં મગફળીનું વાવેતર જોઈએ તો ટંકારમાં 19,600 હેકટર, હળવદમાં 18,365, મોરબીમાં 16,180, વાંકાનેરમાં 1650 અને માળિયામાં 720 સહીત 56,515 હેકટરમાં મગફળીનું વાવેતર થયું છે. વર્ષ 2023માં 105 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે જેમાં વાંકાનેરમાં 65 હેકટર અને હળવદમાં 40 હેક્ટરમાં બાજરીનું વાવેતર થયું છે. જિલ્લામાં માળીયા 320, મોરબીમાં 240 અને વાંકાનેરમાં 40 હેક્ટરમાં તુવેરનું વાવેતર થયું છે. જિલ્લામાં મગનું વાવેતર જોઈએ તો મોરબીમાં 140, વાંકાનેરમાં 85 હેક્ટરમાં મળી 225 હેક્ટરમાં થયું છે અને ટંકારામાં 110 હેક્ટરમાં મઠનું વાવેતર કરાયું છે. જિલ્લામાં અડદનું વાવેતર જોઈએ તો મોરબીમાં 180 હેકટર, હળવદમાં 95, ટંકારામાં 80 અને વાંકાનેરમાં 60 હેકટર મળી 415 હેકટર જમીનમાં રવિ સીઝનમાં વાવેતર થયું છે.તલનું વાવેતર જોઈએ તો હળવદમાં 280, માળિયામાં 215, મોરબીમાં 190 અને વાંકાનેરમાં 85 મળી 770 હેક્ટરમાં વાવેતર થયું છે.જયારે દિવેલાનું વાવેતર જોઈએ તો હળવદમાં 350 અને વાંકાનેરમાં 195 મળી કુલ 545 હેક્ટરમાં દિવેલાનું વાવેતર થયું છે. મોરબી જિલ્લામાં સોયાબીનનું વાવેતર જોઈએ તો મોરબીમાં 390, વાંકાનેરમાં 60 અને માળિયામાં 20 હેકટર સહીત 470 હેક્ટરમાં સોયાબીન વાવવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મોરબી જિલ્લામાં મગફળીનું 63,643, કપાસનું 1,35,476 હેકટર, બાજરી 76, તુવેર 85, મગ 608, અડદ 580, તાલ 443,દિવેલા 170, સોયબીન 470 હેક્ટરમાં વાવેતર થયું હતું જેની તુલનાએ ઓણસાલ ખેડૂતોએ તમામ જણસીનું ધૂમ વાવેતર કર્યું છે જેમાં કુલ વાવેતરનો સૌથી મોટો હિસ્સો કપાસનો હોવાનું ખેતીવાડી વિભાગના આંકડા જણાવી રહ્યા છે. વહેલા વરસાદને કારણે સારું વાવેતર થયું મોરબી જિલ્લા ખેતીવાડી અધિકારી વિક્રમસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે આ વર્ષે વાવાઝોડાને કારણે વહેલો વરસાદ થઇ જતા ખેડૂતોએ વહેલી વાવણી કરી નાખતા 93 ટકા જેટલું વાવેતર થયું છે હજુ દિવેલાનું વાવેતર બાકી છે જે 15 ઓગસ્ટ પછી થશે એટલે 100 ટકા વાવેતર થવાની શક્યતાઓ છે.