મોરબી : મોરબીની જે.એ. પટેલ મહિલા સાયન્સ કોલેજની ત્રીજા વર્ષની માઈક્રોબાયોલોજીની વિદ્યાર્થિનીઓએ એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. વિદ્યાર્થિનીઓએ તળાવ, કુવા, ડેમ અને નદીના પાણીમાંથી સૌથી શુદ્ધ પાણી ક્યું અને સૌથી અશુદ્ધ પાણી ક્યું છે તે અંગે એક અગત્યનું સંશોધન કર્યું છે.મોરબી અપડેટ સાથે આ સંશોધનને લઈને કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસર નિરાલીબેન જેઠલોજા અને સંશોધન કરનાર વિદ્યાર્થિનીઓએ ખાસ વાતચીત કરી હતી. સંશોધન કરનાર વિદ્યાર્થિનીઓએ જણાવ્યું હતું કે, આ સંશોધન કરવા માટે તેમણે પીવાના પાણીના અલગ અલગ 5 સેમ્પલ લીધા. જેમ કે, નર્મદા નદીનું પાણી, મચ્છુ ડેમનું પાણી, સજનપર તળાવનું પાણી, સજનપર કુવાનું પાણી અને સજનપર બસ સ્ટેશનના પાણીના નમુના લીધા હતા. જેમાં વિદ્યાર્થિનીઓને સૌથી સ્વચ્છ નર્મદા નદીનું પાણી મળ્યું અને સૌથી ખરાબ સજનપર કુવાનું પાણી મળ્યું હતું.કુવાના પાણીમાં વિદ્યાર્થિનીઓને સંશોધન દરમિયાન 100 કરતાં વધુ કોલોની મળી હતી એટલે કે આ પાણી પીવાલાયક નથી જેમ તેઓએ જણાવ્યું હતું. આ પાણી પીવાથી વિવિધ રોગ થવાનો પણ ખતરો રહે છે તેમ વિદ્યાર્થિનીઓનું કહેવું છે. જ્યારે નર્મદા નદીના પાણીમાં સૌથી ઓછા બેક્ટેરિયા જોવા મળ્યા હતા તેથી તે પીવા માટે સૌથી સારું પાણી છે. વિદ્યાર્થિનીઓને આ સંશોધન કરવા પાછળ 6 મહિના જેટલો સમય લાગ્યો હતો.