નવલખી બંદરે કોલસા ભરવા બાબતે સુપરવાઇઝર સાથે થયેલી માથાકૂટમાં બસ ચાલક વિના કારણે અંટાયો મોરબી : નવલખી બંદરે ટ્રકમાં કોલસો ભરવા મામલે સુપરવાઈઝર સાથે થયેલ માથાકૂટનો ખાર રાખી પીપળીયા ચાર રસ્તા નજીક બે શખ્સોએ શિપિંગ કંપનીની બસને આંતરી રમેશ ક્યાં ગયો કહી બસમાં ગાળાગાળી કરતા બસ ચાલકે ગાળો બોલવાની ના પાડતા બન્ને શખ્સોએ બસ ચાલકને વિના કારણે ઘુસ્તાવી નાખતા માળીયા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે માળીયા પોલીસ મથકમાં ઇકબાલભાઈ સલેમાનભાઈ કમોરાએ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, નવલખી બંદરે ટ્રકમાં કોલસા ભરવા બાબતે શ્રીજી શિપિંગ કંપનીના સુપરવાઈઝર રમેશભાઈ સાથે આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા અને મયુરસિંહ જાડેજા રહે.મોટા દહીંસરા વાળાને ઝઘડો થયો હોય ફરિયાદી ઇકબાલભાઈ બસ લઈને નીકળતા બન્ને શખ્સોએ બસને આંતરી હતી. વધુમાં બસને આંતરી બસમાં ચડી ગયેલા બન્ને શખ્સ કયા ગયો રમેશ કહી બસમાં ગાળાગાળી કરતા ઇકબાલભાઈએ ગાળો બોલવાની ના પાડતા બન્ને શખ્સોએ ઇકબાલભાઈને ઢીકા પાટુનો માર મારી જાનથી મારી નાખવા ધમકી આપતા આ મામલે માળીયા પોલીસ મથકમાં બન્ને શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.