મોરબીની ટ્રાફિક સમસ્યા માટે આવા ગેરકાયદેસર બિલ્ડીંગો જ કારણભૂત : રાજકીય શરમે તંત્ર પગલાં ભરવામાં ઉદાસીન મોરબી : મોરબીમાં ગઈકાલે ઐતિહાસિક કહી શકાય તેવા ઘટનાક્રમમાં નગરપાલિકા દ્વારા કોઈપણ જાતની મંજૂરી વગર ખડકાયેલા સાત માળના બહુમાળી ઈમારત પાડવાની કામગીરી શરૂ કરી છે. ત્યારે મોરબીની જનતાના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે શું આ એક જ બિલ્ડીંગ પાડીને નગરપાલિકા સંતોષ માનશે કે પછી અન્ય બાંધકામો ઉપર પણ બુલડોઝર ફેરવશે. આજે મોરબી શહેરમાં શેરીએ-ગલીએ પાલિકાએ સરકારની ઓનલાઇન મંજૂરી વગર છડેચોક ગેરકાયદે બાંધકામો કરી બિલ્ડરો આમ જનતા માટે જોખમ સર્જી રહ્યા છે ત્યારે આ દુષણને ડામવું અત્યંત આવશ્યક છે. મોરબી શહેરમાં જૂનો વિસ્તાર હોય કે નવો વિસ્તાર હોય બિલ્ડરો કે જમીન માલિકો જીડીસીઆરના નીયમો નેવે મૂકી પોતાની મરજી મુજબ આડેધડ ગેરકાયદે બાંધકામ કરી રહ્યા છે, ખાસ કરીને ડોક્ટર ઝોન એવા શહેરના સાવસર પ્લોટ પ્રબુદ્ધ નાગરિક ગણાતા તબીબોની મોટાભાગની હોસ્પીટલો બાંધકામ પરવાનગી લીધા વગરની અને કંપ્લીશન સર્ટિફિકેટ વગર ઉપયોગમાં લેવાઈ રહી છે અને નામદાર સુપ્રીમ કોર્ટના આદેશની સરાજાહેર હાંસી ઉડાવવામાં આવી રહી છે અને દેખાવ ખાતર આવા પબ્લિક પેલેસ ઉપર બહારથી ફાયર સિસ્ટમ લગાવી સબસલામતના ખોખલા દાવા કરી તંત્ર અને જવાબદાર લોકો માનવ જિંદગી સાથે ખીલવાડ કરી રહ્યા છે. શહેરના રવાપર રોડ, કાયાજી પ્લોટ, શક્તિ પ્લોટ, પંચાસર રોડ, નાની કેનાલ રોડ, દલવાડી સર્કલ, એસપી રોડ સહિતના વિસ્તારની વાત કરીએ તો ભૂકંપ પ્રભાવિત મોરબીમાં બહુમંજીલા એટલે કે મલ્ટી સ્ટોરી બિલ્ડીંગ બાંધકામ માટે ચોક્કસ નિયમો અમલી હોવા છતાં એફએસઆઈ કે માર્જીનના નિયમોનો છડેચોક છેદ ઉડાવી દઈ બિલ્ડરો પોતાના સ્વાર્થ માટે નજીક-નજીકમાં જ એક ફ્લેટ ધારક બીજા ફ્લેટ ધારકની બારીમાંથી ચીજવસ્તુની આપલે કરી લે તેટલી મામૂલી જગ્યા છોડી પાંચથી દસ માળના બિલ્ડીંગો ઉભા કરી રહ્યા છે અને લોકો આવા જોખમી બિલ્ડીંગ ખરીદી પણ રહ્યા છે જે આવનાર દિવસોમાં ખુબ જ જોખમી બનશે. ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા બાંધકામ પરવાનગી વગર મકાન, દુકાન, ફ્લેટના ખરીદ વેચાણ ન થાય તે માટે દસ્તાવેજ સમયે બાંધકામ પરવાનગી અને કંપ્લીશન સર્ટિફિકેટ ફરજીયાત બનાવવા છતાં પણ મોરબીમાં આવા ગેરકાયદેસર બાંધકામોના ખરીદ વેચાણ અટક્યા નથી.જે બતાવે છે કે લોકોમાં જાગૃતિનો અભાવ છે. જો કે, મોરબીમાં સરાજાહેર ધમધમતા ગેરકાયેદસર બાંધકામો માટે નગરપાલિકા તંત્ર સંપૂર્ણ પણે જવાબદાર છે, તંત્રની પરવાનગી વગર ગેરકાયદે બાંધકામ કરવું શક્ય જ નથી તે ગઈકાલના ઓપરેશન ડિમોલિશન બાદ સ્પષ્ટ બન્યું છે ત્યારે શું નામદાર હાઇકોર્ટ, સુપ્રીમકોર્ટ કહે તો જ આવા ગેરકાયદે બાંધકામ હટાવવાના ? જનતાના હિતમાં શું પાલિકા આવા કડક પગલાં ન લઇ શકે તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.