ખેતર માથેથી પસાર થતો વીજ વાયર તૂટીને નીચે પડતા આગ લાગતા ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો છીનવાયોહળવદ : હળવદના રણછોડગઢ ગામે ખેતરમાં આગ લાગતા એક ખેડૂતનો ઘઉંનો તૈયાર થયેલો પાક બળીને ખાખ થઈ ગયો છે. જેને પગલે ખેડૂત ઉપર જાણે આભ તૂટ્યું હોય તેવી સ્થિતિ ઉદભવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર હળવદના રાયધ્રા ગામના બેચરભાઈ રઘુભાઈ નામના ખેડૂતે રણજીતગઢ ગામે ઉધડમાં વાડી રાખી 15 વિઘા જેટલી જગ્યામાં ઘઉંનું વાવેતર કર્યું હતું. આ જગ્યાએ ઉપરથી વીજ વાયર પસાર થતો હોય, જે જોખમી હોવાથી તેને દૂર ખસેડવા માટે ખેડૂતે અગાઉ વીજ તંત્રને રજુઆત પણ કરી હતી. પણ વીજ તંત્રએ કોઈ કાર્યવાહી કરી ન હતી. આ વીજ વાયર તૂટીને નીચે પડતા ઉભા પાકમાં આગ લાગી હતી. જેમાં ખેડૂતમાં 3 વિઘા જેટલા ઘઉં બળીને ખાખ થઈ ગયા હતા. હવે વીજ તંત્ર ખેડૂતને વળતર ચૂકવે તેવી માંગ પણ ઉઠી છે.