કચ્છની એજન્સીએ બનાવેલ રોડના ભુક્કા નીકળી ગયા : હજારો વાહન ચાલકોને પડતી મુશ્કેલી મોરબી : મોરબી-રાજકોટ વચ્ચે 64 કિલોમીટરનો ફોરલેન હાઇવે બનાવવા માટે સરકારે રૂ.273 કરોડના ખર્ચે કરી વર્ષ 2020માં શરૂ કરાવ્યા બાદ વર્ષ 2025 હવે પૂર્ણ થવામાં છે. જો કે, હજુ સુધી સીરામીક નગરીને જોડતા મહત્વના આ રોડ પૂર્ણ થયાનું સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું ન હોવા છતાં રોડ ઉપર હાલમાં ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. નબળી ગુણવતાના રોડ અંગે નાગરિકો, કોંગ્રેસ અને છેલ્લે ખુદ સતાધારી ભાજપ પક્ષના ધારાસભ્યે મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરતા હવે નવા નકોર કહી શકાય તેવા ઉદઘાટન ન થયેલ રાજકોટ-મોરબી રોડનું રિસરફેસિંગ કરવા નિર્ણય લેવાયો છે.પ્રાપ્ત વિગતો મુજબ સીરામીક નગરી મોરબીથી રાજકોટને જોડતો સ્ટેટ હાઇવે ફોરલેન બનાવવા માટે વર્ષ 2020માં કચ્છની એમકેસી નામની એજન્સીને રૂપિયા 273 કરોડનો કોન્ટ્રાકટ આપવામાં આવ્યો હતો. સામાન્ય રીતે આટલી લંબાઈનો કોઈપણ રોડ બનવવામાં બેથી ત્રણ વર્ષનો સમયબ લાગતો હોય છે પરંતુ રાજકોટ-મોરબી રોડનું કામ પાંચ વર્ષ બાદ પણ સંપૂર્ણ પૂર્ણ ન થયું હોય એપ્રિલ-2025માં રોડ પૂર્ણ થયાનું પ્રોવિઝનલ કંપ્લીશન સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે. બીજી તરફ પાંચ વર્ષમાં રોડનું કામ પૂર્ણ નથી થયું ત્યાં જ આ રોડ ઉપર અનેક વખત પેચ વર્ક કરી ગાબડા બુરવામાં આવતા હાલમાં આ રોડ ઉપર ઠેર-ઠેર ખાડા પડી ગયા છે અને ખાડાને કારણે હાલમાં અકસ્માતનું પ્રમાણ વધવાની સાથે લોકોના વાહનોમાં વિનાકારણે નુકસાની સહન કરવી પડી રહી છે.ખાડો તારવવા જાય તો પાછળ ગાડી ભટકાઈ જાય : રિક્ષાચાલક મોરબી-ટંકારા વચ્ચે પેસેન્જર રીક્ષા ચલાવતા સીદીકભાઈ કહે છે કે, મોરબીથી રાજકોટ હાઇવે ઉપર વાહન ચલાવવામાં ખુબ જ તકલીફ છે. ખાસ કરીને મોરબીથી ટંકારા સુધીમાં એટલા ખાડા છે કે, વાહનોમાં અમને ખુબ જ નુકશાન આવે છે. સાથે જ રોડ ઉપર મસમોટા ખાડા પડી ગયા હોવાથી આવા ખાડા તારવવા જાય તો પાછળ આવતા વાહન સાથે અકસ્માત થવાની ચિંતા રહે છે. ઉપરાંત મોટા મોટા ખાડાને કારણે મુસાફરોને ઉછળી ઉછળીને ઈજાઓ થતી હોવાનું પણ તેમને જણાવ્યું હતું.મુખ્યમંત્રી સુધી ફરિયાદ કરતા હવે રોડ રિસર્ફેશ થશે : ધારાસભ્ય ટંકારા-પડધરીની ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ રાજકોટ -મોરબીની ખરાબ હાલત અંગે અવાર નવાર પ્રશ્નો ઉઠાવ્યા છે, તાજેતરમાં જ દુર્લભજીભાઈએ બિસ્માર હાઈવેને લઈ રાજ્યના મુખ્યમંત્રીને ફરિયાદ કરી હોવાનું જણાવી તેઓ સતત ફોલોઅપ લઈ રહ્યા હોવાથી હવે ટૂંક સમયમાં જ રોડ ગેરંટી પિરિયડમાં હોવાથી આખો હાઇવે રિસરફેસિંગ કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.લોકોને રોડ નવો બન્યાની ક્યારેય ખુશી જ નથી થઇ : સરપંચ વીરપર રાજકોટ -મોરબી હાઇવે બનાવવા પાછળ 273 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હોવા છતાં મોરબી, ટંકારા કે રાજકોટના નાગરિકોને હાશ આ રોડ નવો બન્યો તેવી કોઈ ખુશી જ ન થઇ હોવાનું જણાવતા સરપંચ એસોસિએશન ટંકારાના પ્રમુખ અને વીરપર ગામના સરપંચ મહેશ લિખિયા કહે છે કે, રોડ બનાવવામાં વેઠ ઉતારવામાં આવી છે. ખાસ કરીને મોરબીથી ટંકારા વચ્ચેનો રોડ અત્યન્ત ખરાબ છે. ટંકારાથી રાજકોટ સુધીનો રસ્તો હજુ પણ સારો છે પરંતુ અહીં કોન્ટ્રાકટર દ્વારા લોટ પાણીને લાકડા જેવી સ્થિતિમાં કામ કર્યું હોય હાલમાં રોડની હાલત ખરાબ થઇ જતા રોજે રોજ અકસ્માત સર્જાઈ રહ્યા છે અને લોકોના વાહનોમાં નુકસાન થઇ રહ્યું હોવાનું ઉમેર્યું હતું.હજારો વાહન ચાલકોને મુશ્કેલી પડે છે : કોંગ્રેસ અગ્રણી મોરબીના કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટીયાએ રાજકોટ -મોરબી રોડની ખરાબ હાલત અંગે અગાઉ અવાર નવાર રજુઆત કરી રોડની હાલત નહીં સુધરે તો આંદોલન કરવા ચીમકી આપતા રાજકોટથી મોરબી સુધીના માર્ગમાં અગાઉ પેચ વર્ક થયું હતું. મહેશભાઈ ઉમેરે છે કે, દરરોજ અહીંથી 10થી 15 હજાર વાહનો નીકળી રહ્યા છે ત્યારે ખાડા ખબડા વાળા રોડને કારણે હાલમાં અકસ્માત થઇ રહ્યા હોય રોડનું રિસરફેસિંગ થાય તો જ ઉકેલ આવે તેમ હોવાનું જણાવ્યું હતું.ગેરંટી પિરિયડમાં રહેલ રોડ રિસરફેશ થયા બાદ જ પેમેન્ટ ચુકવવામાં આવશે : આર એન્ડ બી રૂપિયા 273 કરોડના ખર્ચે બનેલા રાજકોટ -મોરબી ફોરલેન હાઇવે પ્રોજેક્ટ અંગે રોડનું મેઇટેનન્સ અને ડેવલોપમેન્ટની કામગીરી સંભળાતા રાજકોટ માર્ગ અને મકાન વિભાગના અધિકારી નિકેત રૈયાણીએ જણાવ્યું હતું કે, રાજકોટ મોરબી રોડ એપ્રિલ-2025માં પૂર્ણ થયો હોય હજુ સુધી કંપ્લીશન આપવામાં આવ્યું નથી. રોડ પર ગાબડા પડવા અંગે અગાઉ કોન્ટ્રાકટર એમકેસી પેઢીને બબ્બે નોટિસ આપી હોવાનું અને તાજેતરમાં વધુ એક નોટિસ આપી રોડને સંપૂર્ણ રિસર્ફેશ કરવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જણાવ્યું હતું. સાથે જ હજુ પણ આગલા ચાર વર્ષ માટે રોડની મરામતની જવાબદારી કોન્ટ્રાકટરની જ હોવાનું તેમજ હજુ સુધી ઇએમડી જમા હોવાનું અને રોડના ખર્ચનું પૂર્ણ પેમેન્ટ કરવામાં ન આવ્યું હોવાનું માર્ગ અને મકાન વિભાગે જણાવ્યું હતું.