મુખ્યમંત્રીની મુલાકાતને પગલે તાબડતોબ રોડ બનાવી દેવાયો, પણ ધૂળના ઢગલા હજુ યથાવત : આ ધૂળ રોડ ઉપર ફેલાઈ રહી છે, જેના કારણે વાહનચાલકો પરેશાનમોરબી : મોરબીના સામાં કાંઠે સર્કિટ હાઉસ પાસે થોડા દિવસો પહેલા મુખ્યમંત્રીની મુલાકાતને પગલે બનાવેલા નવા ડામર રોડના કામમાં તંત્રની બેદરકારી સામે આવી છે. સ્થાનિક લોકો દ્વારા આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો છે કે રોડ બનાવતી વખતે જૂની ધૂળ દૂર કરવાના બદલે તેને ફૂટપાથ અને ડિવાઈડર ઉપર નાખીને ત્યાં જ છોડી દેવામાં આવી છે.આ ધૂળ ત્યાં જ રાખી દેવામાં આવતા રોડ પર ફરીથી ધૂળનું સામ્રાજ્ય ફેલાયું છે. આ ધૂળ પવનથી ઉડીને વાહનચાલકોની આંખમાં પડે છે, જે અકસ્માતને નોતરી શકે છે. રોડ બનાવનાર લોકોએ એક પણ ધૂળનો ઢગલો ઉઠાવ્યો નથી અને ઠેક સુધી આવી જ પરિસ્થિતિ હોવાના આક્ષેપો કરાયા છે. લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે કે આ રોડ પાછળ તેમના પરસેવાના પૈસા (ટેક્સના) જાય છે, છતાં તંત્ર આળસું બનીને બેઠું છે. ત્યારે સ્થાનિકોએ રોડ ખાતાને અપીલ કરી છે કે વહેલી તકે આ ધૂળ ઉપડાવવામાં આવે. વધુમાં કોઈ ઘટના બને તો જવાબદાર કોણ તેવા પ્રશ્નો ઉભા થયા છે.