બીએસએફમાં ફરજ બજાવતા ડો.વત્સલ મેરજા અને તેમની ટીમે 10 વ્યક્તિને બચાવ્યા મોરબી : પશ્ચિમ બંગાળના જલપાઈ ગુડી નજીક બીકાનેર-ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન ગુરુવારે સાંજે પાટા ઉપરથી ઉતરી જતા આ ટ્રેન દુર્ઘટનામાં પાંચ વ્યક્તિઓના મૃત્યુ નિપજયા છે. આ ગંભીર દુર્ઘટનાને પગલે બીએસએફને ખાસ ફરજ સોપાતા મોરબીના બીએસએફ તબીબ ડો.વત્સલ મેરજા બચાવ રાહત મોરચે પહોંચી ગયા છે. જલપાઈગુડીના ડોમોહાનીની નજીક આવેલા મોએનોગુડીમાં બિકાનેર ગુવાહાટી એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી જતા આ ટ્રેન દુર્ઘટનામાં 5 લોકોના મોત નિપજ્યા છે અને અનેક યાત્રિકો ડબ્બામાં ફસાયા હોવાની આશંકા છે, જેને રેસ્ક્યૂ કરવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધી 40 લોકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં ટ્રેન અકસ્માત બાદ બીએસએફ 169 બીએન બટાલિયાનને બચાવ રાહત મોરચે મોકલાઈ છે જેમાં મોરબીના બીએસએફ ડોકટર વત્સલ મેરજા સહિતની ટીમ દ્વારા 10 વ્યક્તિઓને ઇવેકયુટ કરી બચાવવામાં આવ્યા છે. હાલ અંધારાને કારણે બચાવ અભિયાનમાં મુશ્કેલી આવી રહી હોવાનું પણ જાણવા મળે છે.