નવા વર્ષની પરોઢ કોરોના વેક્સીનની આશાના કિરણ સાથે ઉઘડી છે हर्ष नव, वर्ष नव, जीवन उत्कर्ष नव, नवल राह, नवल चाह, जीवन का नव प्रवाह, जीवन की जीत नवल, जीवन की प्रीत नवल। - डॉ. हरिवंश राय बच्चन મહાનાયક અમિતાભ બચ્ચનના પિતા અને હિન્દી સાહિત્યમાં 'મધુશાલા' જેવી શ્રેષ્ઠ કૃતિ આપનાર ડો. હરિવંશ રાય બચ્ચન રચિત આ કવિતા ઓછા શબ્દોમાં ઘણું કહી જાય છે. કવિતાના સરળ શબ્દો જીવનનો અર્થ સમજાવી જાય છે. આજથી ખ્રિસ્તી ધર્મનું નવું વર્ષ શરુ થાય છે. દુનિયાભરમાં ખ્રિસ્તી ધર્મના કેલેન્ડરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કહી શકાય કે આજથી સૌ માટે નવા વર્ષ 2021નો આરંભ થયો છે. આ સાથે વીતેલા વર્ષમાં મળેલા બોધને યાદ રાખી 365 કોરાં પાનાને મરજી મુજબ ભરવાનો અવસર મળ્યો છે. કોરાં પાના પર જીવનનું રંગીન ચિત્ર દોરી શકાય છે અને ખુદની કહાનીને સંગીન વળાંક પણ આપી શકાય છે. ગમતી રાહને અપનાવી ચાહ (ધ્યેય)ને પૂરી કરી જીવનના પ્રવાહને આગળ ધકેલી પ્રીત અને આનંદ સાથે જીવનમાં ઉત્કર્ષ લાવી શકાય છે. ઉમંગો છે જૂની, નવો સ્પર્શ છે, બધાના ચહેરા પર હર્ષ છે. - અજ્ઞાત શિયાળાએ જમાવટ કરી છે. વાતાવરણ આહલાદ્ક છે. કાલે 31st ડિસેમ્બરની ઉજવણીની રોનક દેખાઈ હતી, પરંતુ કોરોના અને કર્ફ્યુના લીધે દર વર્ષ જેટલી નહીં. પણ એક હાશકારો છે કે 2020 પૂરું તો થયું. વીતેલા વર્ષ 2020ને સૌથી વધુ કોસવામાં આવ્યું છે. કોરોના વાયરસની મહામારીને પગલે વર્ષ 2020 જલ્દીથી પૂર્ણ થાય તેવી પ્રાર્થનાઓ થઇ છે. નરી આંખે ન દેખાતા અતિ સૂક્ષ્મ જીવે સૌથી ઉચ્ચ પ્રજાતિ અને અન્ય પ્રાણીઓ કરતા અત્યંત બુદ્ધિશાળી એવી માનવજાતને ઘૂંટણીયે બેસાડી દીધી છે. કોરોનાના લીધે અનેક લોકોએ સ્વજનોને ગુમાવ્યા છે. ડિપ્રેશન-કેન્સર જેવા રોગના લીધે સુશાંતસિંહ રાજપૂતથી લઇ ઈરફાન ખાન જેવા ટેલેન્ટેડ સેલીબ્રિટીઓએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે. લોકોએ આર્થિક ભીંસનો સામનો કર્યો, વર્ચ્યુઅલ વેડિંગ સહિતના સામાજિક બદલાવ આવ્યા, અર્થતંત્રને પડી ભાંગતા બચાવવા લોકડાઉનને અનલોક કરાયું અને ખાસ કરીને પોઝીટીવ શબ્દએ નેગેટીવ ફીલ અપાવી છે. જિંદગીમાં કંઇક તો બદલાવ હોવો જોઈએ, વાત એ સમજાવવા માટે વરસ બદલાય છે. - કિરણસિંહ ચૌહાણ 2020માં રોજિંદી જીવન શૈલીથી લઇ દરેક ક્ષેત્રમાં ધરખમ ફેરફારો થયા. માસ્ક જિંદગીનો અનિવાર્ય હિસ્સો બન્યું. લોકોએ લોકડાઉનમાં જરૂરિયાતમંદોની વ્હારે આવીને માનવતા હજુ જીવે છે તેની સાબિતી આપી. રામાયણ, મહાભારત જેવી જૂની સિરિયલોને નવી પેઢીએ માણી. આ સાથે લોકો હેલ્થ કોન્સિયસ બન્યા, પાંચમો વેદ ગણાતા આયુર્વેદનું મહત્વ સમજાયું, પરિવાર સાથે સમય પસાર કરવા મળ્યો તેમજ વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન પ્રોગ્રામ, સોસીયલ મીડિયા થકી બિઝનેસ, ઓનલાઇન વિડીઓ ચેટ, ડિજિટલ પેમેન્ટ, ઓનલાઇન એજ્યુકેશન, ઇમ્યુનીટી બૂસ્ટર આઈટમ સહીતના અનેક ટ્રેન્ડ માર્કેટમાં આવ્યા. 'જાન હૈ તો જહાં હૈ' કહેવત ખરા અર્થમાં સમજાઈ. વીતેલા વર્ષની આવી અનેક શીખ સાથે નવા વર્ષએ આપણી જિંદગીમાં પડાવ નાખ્યો છે. ત્યારે વર્ષ 2021ની પ્રભાત કોરોના વેક્સીનની આશાના કિરણ સાથે ઉઘડી છે. ખરી રાત્રિ તો સવારથી શરુ થાય છે, કુદરત જેવી કુદરતને પેટાવવો પડે છે સૂરજનો દીવો. - અજ્ઞાત ઇતિહાસમાં અનેક સંઘર્ષો સામે બખૂબી લડેલી માનવજાતે કોરોના સામે હાર ન માનીને કુદરત પરની શ્રદ્ધાનો પરિચય આપ્યો છે. વૈજ્ઞાનિકો અને ડોક્ટરોના પ્રયાસોને સલામ કરી છે. આવી અનેક મહામારીઓ આવશે અને જશે. અનેક નવા વર્ષ આવશે અને જશે. સમયના વહેણને રોકી નહીં જ શકાય. જીવન નદી જેવું છે, પાણીની જેમ ખળખળ વહેતુ રહેશે. જીવનમાં ક્યારેક સરોવર જેવી સુખ-શાંતિ હશે, તો ક્યારેક ધોધની જેમ પછડાટ આવશે. સુખ-દુઃખ, આશા-નિરાશા, પ્રેમ-નફરત સાથે 2021ના વર્ષને ઉત્સવની જેમ ઉજવવાનો પ્રયાસ કરીએ. આફ્ટર ઓલ 2021 એવું વર્ષ છે જેની દરેકે ખરા દિલથી રાહ જોઈ છે! ભૂલી જા બધુ બસ રાખ આટલી ખબર, જીવવામાં કોઈ બાકી રહે ના કસર, હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર, હું તને કરુ છું, તું મને વિશ કર, હેપ્પી ન્યૂ યર, હેપ્પી ન્યૂ યર. - મુકુલ ચોકસી ~ માર્ગી મહેતા