નેવી, કોસ્ટગાર્ડ સહિતની ટીમોની બોટ દ્વારા નદી શોધખોળ ચાલુ રહી, નદીમાં વેલ મોટી માત્રામાં પથરાઈ હોવાથી હજુ પણ વેલને દૂર કરવાની કવાયત ચાલુ મોરબી : મોરબીની ગોઝારો ઝૂલતાપૂલ તૂટવાની દુર્ઘટનામાં આજે બુધવારે પણ સર્ચ ઓપરેશન ચાલુ રહ્યું છે. હજુ પણ લાપતાની ભાળ મેળવવા નેવી, કોસ્ટગાર્ડ સહિતની ટીમોની બોટ દ્વારા નદી શોધખોળ ચાલુ રહી છે. બીજી તરફ નદીમાં વેલ મોટી માત્રામાં પથરાઈ હોવાથી હજુ પણ વેલને દૂર કરવાની કવાયત ચાલુ છે. આખા દુર્ઘટનાગ્રસ્ત એરિયાને કોર્ડન કરીને હજુ કોઈ લાપતા હોય તો તેની ભાળ મેળવવા માટે વિવિધ ટિમો કામે લાગી છે. મોરબીનો ઐતિહાસિક ઝૂલતાપૂલ ગત રવિવારે સાંજે 6 વાગ્યાની આસપાસ તૂટી પડ્યા બાદ 60 ફૂટ ઉંચેથી મોટી સંખ્યા પુલ પરથી લોકો નીચે ખબકયા હતા.આથી તાકીદે સ્થાનિક લોકો બાદ સ્થાનિક તંત્ર અને બનાવની રાત્રે જ એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી, કોસ્ટ ગાર્ડ, એરફોર્સ સહિતની તમામ ટિમો આવી પહોંચી અને બોટ સહિતના સાધનોની નદીને ધમરોળીને એક પછી એક ડેડબોડી કાઢતા ગઈકાલ સાંજે સુધીમાં આ દુર્ઘટનાનો કુલ સતાવાર મૃત્યુઆંક 135એ પહોંચ્યો છે. જો કે ગઈકાલે આખો દિવસ રેસ્ક્યુ ઓપરેશન ચાલુ રહ્યું હતું. પણ એકપણ લાપતાની ભાળ મળી ન હતી. પણ હજુ બે વ્યક્તિ મિસિંગ હોવાનું મનાતું હોય આજે બુધવારે નદીમાં નેવી તે.જ કોસ્ટ ગાર્ડ સહિતની ટિમો દ્વારા શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. દુર્ઘટનાને પગલે રવિવારની રાત્રિથી આજે બુધવાર સુધી એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી, કોસ્ટ ગાર્ડ, એરફોર્સની ટિમો ઘટનાસ્થળે છાવણી નાખીને યુદ્ધના ધોરણે રાહત અને બચાવ કામગીરી કરી રહ્યું છે. મળતી માહિતી મુજબ નદીમાં લીલીવેલ છવાઈ હોવાથી રેસ્ક્યુ ઓપરેશનમાં અડચણ થતા બે દિવસથી સ્પે મશીન મૂકીને વેલ દૂર કરવામાં આવી રહી છે. આજે પણ મશીન મૂકીને વેલ દૂર કરીને ત્યાં બોટ લઈ જઈ કોઈ લાપતા છે કે કેમ તેની શોધખોળ કરવામાં આવી રહી છે. જો કે નદીમાં મોટાભાગની બોટ દ્વારા અગાઉની જેમ સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યું છે. તંત્રના જણાવ્યા મુજબ ગઈકાલે મંગળવારથી આજે બુધવારે અત્યાર સુધી સર્ચ ઓપરેશન દરમિયાન નદીમાંથી એકપણ લાપતાની ભાળ મળી નથી. પણ વેલ જ્યાં હોય ત્યાં કદાચ કોઈ ફસાયું હોય એવી શંકાના આધારે જેમ જેમ મશીનથી વેલ દૂર થાય કે તુરંત જ બોટ દ્વારા શોધખોળ કરવામાં આવી રહી છે. આ દુર્ઘટના સ્થળને હજુ પણ પોલીસ કાફલાએ કોર્ડન કરી રાખ્યો છે. નદી પાસે રેસ્કયુ ઓપરેશન જોવા કે ખોટા આંટાફેરા કરતા લોકોને પોલીસ દ્વારા સલામતી માટે દૂર ખસેડી દેવામાં આવ્યા છે.